ભાવનગર : ડુંગળી મુદ્દે ખેડૂતોના આંખમાં પાણી છે અને આમાં હવે રાજકારણ શરૂ થયું છે. આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ભાવનગરની ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન આપતાની સાથે રાજકીય હલચલ તેજ બની છે. ડુંગળીના ભાવનો મુદ્દો આજે સોમવારે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા છે, પણ હવે તેમાં રાજકારણનો પ્રવેશ થયો છે. ડુંગળી પકડવતાં ખેડૂતોને ડુંગળીના પુરતા ભાવ મળશે કે કેમ તે વિચારવાનું બાજુએ રહી જાય એવો ભય છે.
રાજકારણનો રંગ લાગ્યો :સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી ડુંગળી કલરથી તો લાલ હોય છે પરંતુ તેના પર રાજકારણનો રંગ લાગ્યો છે. જો કે રાત દિવસ કાળી મજૂરી કરતા ખેડૂતના ભાગે નુકસાની આવી છે. ભાવનગર જિલ્લો દેશમાં બીજા ક્રમે ડુંગળી પકવવામાં છે. હાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂત રાતાપાણી રડી રહ્યો છે. ત્યારે ડુંગળી પર રાજકારણ રમાવાની શરૂઆત થઈ ગઈ છે.
ડુંગળીનું ઉત્પાદન, પરિસ્થિતિ અને ભાવનું રાજકારણ જાણો : ભાવનગર જિલ્લામાં રવિ પાકમાં 31,178 હેક્ટરમાં ડુંગળીનો વાવેતર ચાલુ વર્ષે થયું છે. ખેડૂતોને પિયત માટે પાણી નહિ હોવાને કારણે ડુંગળીનું વાવેતર જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું. વાવેતર તો કર્યું પરંતુ ઉત્પાદન પણ મબલખ આવ્યું છે. હવે આ ડુંગળી યાર્ડમાં પહોંચતા કકળાટ શરૂ થઈ ગયો છે. ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નહીં નીકળ્યો નથી. માર્કેટિંગ યાર્ડમાં 20 કિલોના 40 રૂપિયાથી લઈને 170 સુધીની કિંમત મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે 220 રૂપિયા મળે તો તેનો ખર્ચ નીકળે. પરંતુ 220 મળવા મુશ્કેલ છે. જો કે યાર્ડમાં વેપારીઓ ડુંગળીની ગુણવત્તાને પગલે ભાવ નક્કી કરી રહ્યા છે. આથી સારી ગુણવત્તાની ડુંગળીમાં 170 રૂપિયા મળે છે અને નબળીમાં 60 થી 80 રૂપિયા 20 કિલોએ મળી રહ્યા છે. જો કે સરવાળે ખેડૂતને ગુણવત્તા ગમે તેવી હોય તેને નુકસાની ભોગવવાની આવી રહી છે.
આ પણ વાંચો Onion Price in Saurashtra : સૌરાષ્ટ્રમાં ડુંગળીનો ભાવ ગગડવાનું કારણ આ પણ હોઇ શકે, ડુંગળીની નિકાસની આંટીઘૂંટી
જિલ્લામાં 27 વર્ષથી ભાજપના ધારાસભ્યો છતાં મૌનીબાબા જેવો રોલ : ભાવનગર જિલ્લામાં છેલ્લા 27 વર્ષથી ભાજપના ધારાસભ્ય ચૂંટાઈને આવે છે. જો કે દર વર્ષે ડુંગળી આવતાની સાથે કાળો કકળાટ શરૂ થાય છે. પરંતુ યાર્ડમાં ડુંગળીના ભાવ નહીં મળવાને પગલે હજુ સુધી કોઈપણ સત્તાધારી પક્ષના ધારાસભ્ય સામે આવીને ડુંગળીને લઇ રજૂઆત કરવા ગયા હોય તેવું ઓછું બન્યું છે. ત્રણ વર્ષ પહેલાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ સરકારમાં રજૂઆત કરીને કિલોએ બે રૂપિયા સહાય અપાવી હતી. પરંતુ વર્ષોથી ચાલી આવતી ડુંગળીના કકળાટમાં રાજ્ય સરકાર કોઈ ઠોસ નિર્ણય કરી શકી નથી.
ડુંગળી પર વિપક્ષીય રાજકારણ : પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ભાવનગર બે દિવસની મુલાકાતે આવ્યા હતા. ભગવંત માન ખેડૂત આગેવાનોને દિલ્હી અને પંજાબની સરકાર રેલવે વેગન મોકલીને ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન આપીને ગયા છે. આશ્વાસન સાથે ખેડૂતોને ખેતરમાં ડુંગળીનો નાશ નહીં કરવાનું પણ જણાવ્યું છે. હાલ ખેડૂતો પંજાબ અને દિલ્હીથી રેલવે વેગનની રાહ જોઈ રહ્યા છે.
એકપણ ધારાસભ્ય ડુંગળી મામલે સામે આવ્યા નથી : ભગવંત માન પહેલા થોડા દિવસ અગાઉ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઈમેલ મારફત વડાપ્રધાન અને ગુજરાતના મુખ્ય પ્રધાનને ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા જાહેરાત કરવાની માંગણી કરી હતી. જો કે શાસકમાં બેઠેલા એક પણ ધારાસભ્ય હજુ સામે આવ્યા નથી. પરંતુ સ્થાનિક યાર્ડનું ભાજપનું કિસાન મોરચો કામે લાગી ગયો છે. ભગવંત માન ડુંગળી પર આશ્વાસન આપતા ભાજપ કિસાન મોરચો ગાંધીનગર મુખ્યપ્રધાનને રજૂઆત કરીને તાત્કાલિક સહાય આપવા માંગ મૂકી દીધી છે. માંગ સાથે કિસાન મોરચાએ અપેક્ષા પણ સેવી છે કે માંગ પૂર્ણ થશે.
આ પણ વાંચો Onion Market Price : 'આપઘાત કરશે તો મોદી સાહેબને પાપ લાગશે' ખેડૂતની રોષભરી વ્યથા છલકાઇ, ખેડૂતોની દશાનો ગ્રાઉન્ડ રીપોર્ટ
રાજકીય વિશ્લેષકે ડુંગળીમાં કયું રાજકારણ બળવત્તર ગણાવ્યું : ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર વર્ષોથી થતું આવ્યું છે. વર્ષોથી સમાચાર ડુંગળીના ભાવ ગગડી ગયાના જ બનતા રહ્યા છે. ગરીબોની કસ્તુરી ક્યારેક ગરીબોને રડાવે અને ક્યારેક ખેડૂતોને રડાવે તેનો કોઈને ખ્યાલ નથી હોતો. હાલમાં પરિસ્થિતિ ડુંગળીની ખેડૂતોને રડાવે તેવી બની ગઈ છે. ડુંગળીના રાજકારણમાં સાચું રાજકારણ શું તે સમજવા જેવું છે. આમ આદમી પાર્ટી ડુંગળી મામલે ખરીદી કરવા તૈયાર છે, ત્યારે હવે મુદ્દો ગાંધીનગર પહોંચ્યો છે.
ડુંગળીનો મુદ્દો સીએમ સુધી ગાજ્યો છે
ડુંગળીના ભાવ ગગડ્યાને રાજકારણ શરૂ : પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ ETV Bharatને જણાવ્યું હતું કે ડુંગળીને લઈને રાજકીય રંગ તો જ્યારે ભાવ સંપૂર્ણ ગગડી જાય ત્યારે લાગતો હોય છે. પરંતુ આમ તો દરેક ખેત પેદાશોમાં યાર્ડમાં રહેલી બજારોમાં મોટું રાજકારણ રમાતું આવ્યું છે. ખેડૂતોને ક્યારેય ફાયદો થતો જ નથી. જ્યારે ખેડૂતનું ઉત્પાદન થાય અને માર્કેટિંગ યાર્ડમાં માલ આવે ત્યારે ભાવ ગગડી જાય છે. જ્યારે સંપૂર્ણ માલ વેચાઈ જાય એટલે ભાવ ઊંચા જાય છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ મોટા વેપારીઓનું હાથ જોવા મળતો હોય છે. વેપારીઓ પણ ક્યાંક રાજકીય પક્ષો સાથે આડકતરી રીતે જોડાયેલા હોય છે. જો કે રાજકીય રંગ લાગતો હોય છે કારણ કે મતના રાજકારણમાં સૌ કોઈ લાભ લેવા માટે તૂટી પડતા હોય છે. સરકાર ધારે તો ડુંગળીના ભાવ ગગડે ત્યારે જ તરત પગલાં લઈ શકે છે. જો કે સરકાર બે રૂપિયા આપે કે 10 આપે હાલના ભાવ એટલા નીચા છે કે ખેડૂતને ફાયદો નથી થવાનો. નિકાસના નિયમોમાં તાત્કાલિક નિર્ણયથી પરિસ્થિતિને વણસતી રોકી શકે છે.
કેન્દ્ર એક્સપોર્ટ નીતિમાં રાહત આપે : ભાજપ કિસાન મોરચાના પ્રમુખ નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે જિલ્લામાં પિયતનું પાણી ઓછું હોવાને પગલે મોટા પ્રમાણમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું અને તેમાં ઉતારો વધુ આવ્યો એટલે મહુવા,તળાજા અને ભાવનગર યાર્ડ ઉભરાયા છે. ભાવ તળીયે છે અને કરેલા ખર્ચ પણ ખેડૂતને નીકળતો નથી. અમે કૃષિમંત્રી,સહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને બે માંગ કરી છે. એક રાજ્ય સરકાર અગાવના વર્ષ જેમ સહાય જાહેર કરે અને કેન્દ્ર એક્સપોર્ટ નીતિમાં રાહત આપે ફેરફાર કરીને વિદેશ માલ મોકલે તો ખેડૂતોને બે પૈસા મળે જોકે અમને આશા છે સરકાર ટુક સમયમાં રાહત પર સહાય માટે નિર્ણય થશે.
ગુજરાતના મુખ્યપ્રધાન સુધી પહોચ્યો મામલો : ડુંગળીનો મુદ્દો સીએમ સુધી ગાજ્યો છે. ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહેલા નૂકશાન સંદર્ભે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ કરેલી રજૂઆતને ગંભીરતાથી સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.