ભાવનગરમાં શિયાળાની શરૂઆત સાથે ઓસડિયાનું માર્કેટ ગરમાયું, ઓસડિયાનું આયુર્વેદમાં મહત્વ અને શરુઆતી ભાવ જુઓ આ અહેવાલમાં
ભારતના દરેક ઘરોમાં આયુર્વેદ ઉપચાર પદ્ધતિના ભાગરૂપે ઓસડિયાના ચૂર્ણ અને ચ્યવનપ્રાશ બનાવવામાં આવે છે. શિયાળાના પ્રારંભમાં ઓસડિયાની માંગ બજારમાં વધી ગઈ છે. લોકો વિવિધ પ્રકારના ઓસડિયા ખરીદી રહ્યા છે. ત્યારે ઓસડિયાના ભાવ અને ઓસડિયાની બનતી ચીજો સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક જાણો આ ખાસ અહેવાલમાં
ભાવનગર :શિયાળાની શરૂઆતથી જ કડકડતી ઠંડીનો ચમકારો લોકોને મળી રહ્યો છે, તો બીજી તરફ ઓસડિયાની બજાર ગરમ થવા લાગી છે. શિયાળો આવતાની સાથે જ પોતાની તંદુરસ્તી માટે લોકો વિવિધ પ્રકારના ચૂર્ણ અને અન્ય ચ્યવનપ્રાશ જેવી ચીજ બનાવી આરોગતા હોય છે. જેને પગલે ભાવનગરમાં આવેલ ઊંડી વખારમાં ઓસડિયાની બજારમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે શિયાળામાં ઓસડિયાનું મહત્વ અને શરુઆતી ભાવ શું છે જુઓ
શારીરિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ શિયાળો :કડકડતી ઠંડીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ભારતના વેદોમાં વર્ષોથી આયુર્વેદિક પદ્ધતિ દર્શાવવામાં આવેલ છે. કહેવાય છે કે શિયાળાના ચાર મહિના શરીરને જેટલું સ્વસ્થ બનાવું હોય તેટલું મનુષ્ય બનાવી શકે છે. ત્યારે ભારતની આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પ્રમાણે વર્ષોથી ઘરે ઘરે ઘરગથ્થુ ઉપચાર પણ થાય છે. આજે પણ ભારતના મોટાભાગના ઘરોમાં શિયાળા દરમિયાન વિવિધ પ્રકારના ઓસડિયાના ચૂર્ણ લેવા તેમજ ચ્યવનપ્રાશ વગેરે જેવા વ્યંજન બનાવવાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ભાવનગરની બજારમાં ઓસડિયા લેવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે.
ઓસડિયાનું આયુર્વેદમાં મહત્વ
ઓસડિયાના ભાવ :
અશ્વગંધા
500 રૂ કિલો
શતાવરી
400 રૂ કિલો
બલદાણા
300 રૂ કિલો
મુગળાઈ
2000 રૂ કિલો
સુંઠ
500 રૂ કિલો
પીપર
600 રૂ કિલો
નાગકેસર
1200 રૂ કિલો
સફેદ મરી
1000 રૂ કિલો
તજ
400 રૂ કિલો
લવિંગ
1100 રૂ કિલો
ઓસડિયાની બજારમાં ગરમી : ભાવનગર શહેરમાં ઊંડી વખારમાં દરેક પ્રકારના ઓસડીયા પ્રાપ્ત થતા હોય છે. શિયાળાની શરૂઆત થતા બજારમાં ખરીદીમાં ગરમાવો આવી જાય છે. ત્યારે વ્યાપારી રોહિતભાઈ જણાવ્યું હતું કે, શિયાળાની અંદર અડદિયા પાક, ગુંદરપાક, ચ્યવનપ્રાશ, આમળાનું જીવન પ્રાશ બનાવવાની માંગ વધે છે. એના માટે દરેક ઓસડિયા છે. માનો કે અડદિયો છે તો તેમાં સફેદ મુસળી, અશ્વગંધા, જાવંતરી, પીપળી, સૂંઠ, અક્કલ કરો જેવી ચીજ વસ્તુઓ લાગતી હોય છે. અંજીરનું દૂધ પીવાવાળા હોય તો અંજીરની માંગ વધે છે. બદામ હોય તો તેની માંગ વધે છે. અંજીરના ભાવ કિલોના 1400 અને બદામના 700 રૂપિયા છે. ત્યારે ઓસડીયા હોય તેના અલગ અલગ ભાવ હોય છે. લોકો પોતપોતાની રીતે છૂટક ઓસડીયા પણ લઈ જતા હોય છે.
આયુર્વેદ ઉપચાર પદ્ધતિ
આયુર્વેદિક પદ્ધતિથી રોગનો ઉપચાર : સમગ્ર ભારતમાં આયુર્વેદ પદ્ધતિ સૌથી પૌરાણિક ઉપચાર પદ્ધતિ છે. પરંતુ કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ આ આયુર્વેદના ઓસડિયા પૈકી થતા હોય છે. ત્યારે ડોક્ટર તેજસભાઈ દોશીએ જણાવ્યું હતું કે, ભારત એક વનસ્પતિજન્ય અને આયુર્વેદ પ્રધાન દેશ છે. શિયાળો આવે એટલે તંદુરસ્તી લોકોને યાદ આવે છે. દેશી પદ્ધતિથી ઉપચાર આપણા વડવાઓ કરતા હતા. ઘર ઉપચારમાં અત્યારે અશ્વગંધા, સતાવરી, બલદાણા, સૂંઠ વગેરે મળે છે અને તેનું ચૂર્ણ બને છે. તેનો જુદા જુદા રોગોમાં પણ ઉપયોગ થાય છે. શિયાળામાં પાણી ઓછું પીવાથી થતી ચામડી ફાટવી અને રુષ્ટ થતી હોય છે. આ ક્યાંકને ક્યાંક ઓસડિયાઓનું મિશ્રણ કરી મધ અને ઘી સાથે ચૂર્ણ બનાવીને આરોગવાથી ફાયદો થતો હોય છે. પરંતુ જો યોગ્ય પદ્ધતિ ખબર ન હોય તો નજીકના ડોક્ટર કે વૈધને પૂછીને લેવા જોઈએ.