ભાવનગર:ભાવનગર જિલ્લો હમેશા માનવસેવામાં અગ્રેસર રહ્યો છે. ભાવનગર ટૂંકા ગાળામાં બીજુ અંગદાન થયું હોય તેવી ઘટના સામે આવી છે. ભાવનગરમાં અકસ્માતમાં ઇજા પામેલી મહિલાની અંતિમ ઇચ્છાને પરીવારે પૂર્ણ કરી છે. પરીવારે ઘરની મહિલાના અંગદાનને લઈને સમાજમાં પણ સંદેશો આપ્યો છે. ભાવનગર શહેરમાં 4 તરીખ બાદ 22 તારીખે બીજું અંગદાન થયું છે. અનેક સંસ્થાઓ દ્વારા પણ અંગદાન માટે જાગૃતિના પ્રયાસો થાય છે અને તેઓ સફળ પણ થઈ રહ્યા છે.
અંગદાન માટે ભાવેણુ અગ્રેસર:ભાવનગર શહેરમાં અનેક અંગદાન જાગૃતિના કાર્યક્રમો થયા છે. ભાવનગર શહેરમાં હાલમાં જ 4 નવેમ્બરના રોજ મહેશ બોઘાભાઈ મારુંનો અકસ્માત થયા બાદ સારવારમાં તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેને પગલે તેના પરિવાર દ્વારા પણ મહેશભાઈના અંગોનું દાન કરવા માટે તૈયારી બતાવી હતી. જેમાં પરીવારની સહમતી બાદ મહેશભાઈના અંગોને સુરત ખાતે પોલીસ સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ તેવો જ વધુ એક કિસ્સો બનવા પામ્યો છે. હવે ફરી એક મહિલા અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર થયા બાદ તેમના અંગોનું પણ દાન કરવા માટે પરીવારે પગલું ભર્યું છે. પરિવારે અંગોનું દાન કરીને સમાજના લોકોને પણ એક સંદેશો અંગદાન માટે આપ્યો હતો.