સરકારે નિકાસનીતિ પરત લેવી જોઈએ તેવો સૂર ઉઠ્યો ભાવનગરઃ વર્તમાનમાં ગરીબોની કસ્તૂરી એવી ડુંગળી દોહ્યલી બની ગઈ છે. ડુંગળી ખાનાર તો ઠીક ખેડૂતો, વેપારીઓ અને ડુંગળી એક્સપોર્ટ કરનારા પણ રાતે પાણીએ રડી રહ્યા છે. ખેડૂતો આકરે પાણીએ થતા રાજ્ય સરકાર ઉચ્ચ સ્તરીય બેઠકોનું આયોજન કરી રહી છે. જો કે ભાવનગર પંથકના ખેડૂતો સરકારની નીતિ પાંગળી હોવાનો આરોપ લગાડી રહ્યા છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ડિમાન્ડ એન્ડ સપ્લાયના સિદ્ધાંતનો હવાલો આપી રહ્યા છે.
2 દિવસથી હરાજી બંધઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર પંથકમાં થાય છે. માર્કેટિંગ યાર્ડમાં એક સમયે હરાજીમાં ખેડૂતોને ડુંગળીનો ભાવ 700 રુપિયા મળતો હતો જે હવે 250 રુપિયા જેટલો થઈ ગયો છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવોને લઈને ખેડૂતો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. મહુવામાં ડુંગળીના ભાવના વિરોધમાં ખેડૂતોએ ડુંગળી રસ્તા પર વેરી છે. સરકારે ડુંગળીના ભાવની સમસ્યાનો યોગ્ય અને નક્કર ઉકેલ લાવવો જ રહ્યો તેમ ખેડૂતો માને છે. અત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં 2 દિવસથી ડુંગળીની હરાજી બંધ છે.
સરકારની નિકાસબંધીની નીતિ ખેડૂત વિરોધી છે. ડુંગળીનો ભાવ એક દિવસમાં 5-25 રુપિયા ઘટે તે ચલાવી શકાય પરંતુ સીધા જ 200-300 રુપિયાનો ઘટાડો ખેડૂતો માટે હાનિકારક છે. ખેડૂતોનો પાક ખેતરમાં પાકે તે પહેલાં જ નિકાસ નીતિ અંગે સ્પષ્ટતા થઈ જવી જોઈએ. સમયસર નિકાસ નીતિ સ્પષ્ટ થવાનું કામ કૉંગ્રેસની સરકારમાં થતું હતું. તેથી કૉંગ્રેસને ક્યારેય ટેકાના ભાવે ખરીદી કરવાની જરુર જ નહોતી પડતી. આજે પરિસ્થિતિ વણસી ગઈ છે...લાભ કાત્રોડીયા(ખેડૂત આગેવાન, ભાવનગર)
ડુંગળીની આવક શરુ થઈ ત્યારે ખેડૂતોને 250થી 450 જેટલો ભાવ મળ્યો હતો. ડુંગળીની નિકાસ ચાલુ હતી અને યાર્ડમાં આવક ઓછી હતી ત્યારે ખેડૂતોને 700 જેટલો ભાવ પણ મળ્યો હતો. જો કે નિકાસબંધી થતા માર્કેટ યાર્ડમાં આવક વધી ગઈ અને ખેડૂતોને ઓછા ભાવ મળ્યા છે. ડુંગળીના ભાવનો આધાર ડિમાન્ડ અને સપ્લાય પર રહે છે...અશોક ચૌહાણ(સેક્રેટરી, ભાવનગર માર્કેટિંગ યાર્ડ)
- 'ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાયો, સરકાર ડૂંગળીમાં નિકાસબંધી પાછી લે' - શક્તિસિંહ ગોહિલ
- ગોંડલમાં ખેડૂતોનો વિરોધ યથાવત, રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવતા 10 ખેડૂતોની અટકાયત