ભાવનગર: શહેર જિલ્લામાં મેઘરાજાની સવારી છેલ્લા ત્રણ દિવસથી થોભી ગઈ હતી. ત્યારે જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી ભાવનગર શહેરમાં વરસાદનું આગમન થયું હતું. જેમાં બપોરના સમયે થયેલા ધોધમાર વરસાદથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં વરસેલા વરસાદ બાદ વાતાવરણમાં આવેલા બફારાનો સંપૂર્ણ અંત આવ્યો હતો.
ભાવનગરમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસ્યો એક એક ઇંચ વરસાદ
ભાવનગર શહેરમાં ત્રણ દિવસથી વરસાદ થોભી ગયા બાદ લોકોને તડકો જોવા મળ્યો હતો. પરંતુ ફરી બપોર બાદ વાતાવરણ કાળા વાદળો વચ્ચે ઘેરાયું હતું અને બપોરના સમયે થયેલા ધોધમાર વરસાદથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ સારો આવવાને કારણે વાતાવરણમાંથી બફારાનો સંપૂર્ણ અંત થયો અને ઠંડક પ્રસરી ગઈ હતી.
ભાવનગર તાલુકામાં 689 mm વરસાદ સામે 816mm વરસાદ વરસી ચુક્યો છે. તેમજ તાલુકાનો વરસાદ 122 ટકા વધુ નોંધાઇ ગયો છે. ભાવનગર સહિત અન્ય તાલુકામાં વરસાદ ધીમીધારે ઝાપટાઓ દ્વારા વરસતા ખેડૂતોને હાશકારો છે.
ભાવનગર જિલ્લામાં કુલ ચોમાસાના 595mm વરસાદની જરૂર હોય ત્યાં 537mm વરસાદ નોંધાઇ ચુક્યો છે. પરંતુ ભાવનગર તાલુકામાં સીઝનના વરસાદ કરતા વધુ 816 mm વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે તાલુકાની જરૂરિયાત 689 mmની છે. ત્યારે હવે વરસાદ જરૂરિયાતથી વધુ આવતા તાલુકાના ખેડૂતો માટે લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વર્તાઈ રહી છે. જોકે, શહેરવાસીઓને બફારા અને ગરમીમાંથી રાહત મળી ગઈ છે. જોકે, સૌથી ઓછો વરસાદ જિલ્લામાં તળાજા, ઘોઘા અને સિહોર તાલુકામાં છે. જ્યારે અન્ય તાલુકામાં એવરેજ 350 mm કરતા વધુ વરસાદ રહ્યો છે. ભાવનગર શહેરમાં ત્રણ દિવસના સતત ધીમીધારે આવેલા વરસાદથી ભાવેણુ ભીંજાઈ ગયું છે. કુલ વરસાદના આંકડા જોઈએ તો આશરે 58 mm વરસાદ હજુ સિઝનનો બાકી રહ્યો છે.