ભાવનગર: દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભાઇના ચરણોમાં પ્રથમ રજવાડું અર્પણ કરી દેનારા ગોહિલવાડના રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ હતા. ગોહિલવાડના પ્રજાવત્સલ રાજવીઓ તેમની જનતાની સુખાકારી માટે અનેક સવલતો અને ઈમારતો બનાવી આપી છે, જે આજે પણ હયાત છે. ખાસ કરીને તખ્ત્સીહજી ગોહિલે તે સમયમાં ભારતીય શૈલી અને આધુનિકતાના સમન્વય સાથે સર તખ્ત્સીહજી હોસ્પિટલ, તખ્તેશ્વર મંદિર, નિલમબાગ પેલેસ જેવી ઈમારતોનું નિર્માણ કરાવ્યું હતું.
ભાવનગરના રાજવીઓ ભારતીય શૈલી સાથે સાથે આધુનિકતાને પણ અપનાવતા હતા. તેમણે બનાવેલા તળાવો, કેનાલોમાં તે સમયે ઓટોમેટિક દરવાજા મુકવામાં આવ્યા હતા, જે આજે પણ કાર્યરત છે. તેમણે બનાવેલી ઇમારતો ભારતીય રજવાડી શૈલી અને આધુનિકતાનો સમન્વય કરીને બનાવવામાં આવી છે. જેમાં નિલમબાગ પેલેસ પણ સામેલ છે.
નિલમબાગએ ભાવનગરના ગોહિલ વંશના રાજવી સર તખ્તસીહજી ગોહિલ દ્વારા 1859માં બાંધવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં એનો વિસ્તાર 4 હેક્ટરમાં ફેલાયેલો છે. 1984માં મહારાજા વિરભદ્રસિંહજી ગોહીલે આ પેલેસને હેરીટેજ હોટેલમાં ફેરવ્યો હતો, ત્યારથી આ પાલેસનો ઉપયોગ હોટેલ તરીકે થઇ રહ્યો છે. આ મહેલનું બાંધકામ જર્મન આર્કિટેક વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું. મહેલ ભારતીય શૈલી અને આધુનિકતાના સંગમ સાથે બનાવવામાં આવ્યો છે. આ મહેલમાં રાજવી પરિવારના કિંમતી તૈલચિત્રો લગાવવામાં આવ્યા છે. જેમાંથી મોટા ભાગના ચિત્રો પ્રખર ચિત્રકાર સોમાલાલ શાહે બનાવ્યા છે. હાલ અહીં સોમાલાલ શાહના ચિત્રોની એક પક્ષી આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવી છે. નિલમબાગ પેલેસમાં જે મટીરીયલ્સ વાપરવામાં આવ્યું છે, તે મોટાભાગનું બર્માથી મગાવવામાં આવ્યું હતું.