શિક્ષણ સમિતિનું બજેટ ગત વર્ષ કરતા વધારે ભાવનગરઃભાવનગર શિક્ષણ સમિતિનું અંદાજપત્ર 169.76 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિના આ બજેટમાં ચેરમેન અને ચૂંટાયેલા સભ્યોએ સર્વાનુમતે મંજુરી આપી હતી. તો વિપક્ષના ચૂંટાયેલા સભ્યે પ્રહાર કર્યા છે. ત્યારે આ બજેટમાં નવા પ્રોજેકટ મૂકવામાં આવ્યા છે. શું છે બાળકો માટે જાણીએ.
આ પણ વાંચોઃBudget 2023: 24મીએ રજૂ થનારા બજેટ પર સૌની નજર, લીલા લહેર કે પછી વધશે બોજો!
શિક્ષણ સમિતિનું બજેટ ગત વર્ષ કરતા વધારેઃભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિનું વર્ષ 2023-24નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના બિલ્ડીંગમાં ચેરમેન શિશિર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને આ બજેટ મંજુર થયું હતું. જોકે, આ બજેટ શિક્ષણ સમિતિમાં મંજૂર થયા બાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે રીતે શિક્ષણ સમિતિનું બજેટ નક્કી થશે. તેને બાદમાં મહાનગરપાલિકાની સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે ને બાદમાં મંજૂર સંપૂર્ણપણે થશે.
શિક્ષકોની ઘટ પણ દૂર થવાની આશાઃશહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 55 શાળાઓ છે અને 27,000 જેટલા વિદ્યાર્થીઓ દરેક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હાલના બજેટમાં સોલાર પેનલ સહિત બાળકોને નવી શિક્ષણ નીતિ હેઠળ નવા પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન શશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 40 લાખના ખર્ચે 40 જેટલી શાળાઓમાં સોલાર સિસ્ટમ મૂકવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ 10 દિવસ સ્કૂલબેગ વગર વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે. જ્યારે 2,800માંથી 4,200 ગ્રેડ પેમાં શિક્ષકો આવતા ચાલુ વર્ષના રજૂ થયેલા બજેટમાં 40 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે જિલ્લા ફેર સંપૂર્ણપણે સરકારે છૂટ આપવાના કારણે આગામી દિવસોમાં શિક્ષકોની ઘટ પણ દૂર થવાની આશા છે.
આ પણ વાંચોઃHalwa Ceremony: સુરત મનપાના બજેટ સેશનમાં પહેલી વખત હલવા સેરેમની, વિપક્ષની ગેરહાજરી
વિપક્ષે કર્યો પ્રહાર સ્વતંત્ર હવાલો મળે અને શિક્ષણ સ્તર ઘટ્યુંઃનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની પદ્ધતિ મુજબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પોતે અંદાજપત્ર રજૂ કર્યા બાદ મહાનગરપાલિકાને આપે છે. ને બાદમાં તેમાં ફેરફાર કરીને મહાનગરપાલિકા બજેટ પોતાની સાધારણ સભામાં મૂકીને મંજૂર કરે છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના કૉંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સ્વતંત્ર હવાલો હોવો જોઈએ. અમારે કોઈ પણ કામ માટે મહાનગરપાલિકા પાસે જવું પડી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં અન્ય સ્થળો ઉપર આ પ્રકારની કોઈ પ્રથા નથી. ત્યારે આ વર્ષનું બજેટ 2023-24 જુના બજેટ સમાન જ છે. જોકે, શિક્ષણની હાલત કથળી ગઈ છે. તે આપણે 85માંથી 55 સ્કૂલ થઈ જવા પરથી સમજી શકીએ છીએ. ભાવનગરમાં શિક્ષણ તંત્ર ખાડે ગયું છે.