ભાવનગર : ગુજરાત જૈવિક વિવિધતા માટે ખૂબ જાણીતું છે. જ્યાં વિવિધ જાતિના પ્રાણીઓ અને પક્ષીઓ પ્રાકૃતિક વાતાવરણમાં અહીં વસવાટ કરે છે. પક્ષીઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે સંપદાઓને જાળવી રાખવા અને તેનું સંવર્ધન કરવા અનેક અભ્યારણ જાહેર કરવામાં આવેલા છે. તેમજ ચાર જેટલા પ્રાકૃતિક અભ્યારણને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, મુક્ત રીતે વિચરતા ૬ હજારથી વધુ કાળિયારો ગુજરાતમાં આવેલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન ભાવનગર જિલ્લાના વેળાવદર નજીકમાં આવેલું છે. જેને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ૬ હજારથી વધુ કાળિયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે. કાળિયાર હરણકુળનું પ્રાણી છે. જેને કૃષ્ણમૃગના નામે પણ ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ વિસ્તારમાં કાળિયાર સાથે વરુ, ઝરખ અને દેશી વિદેશી પક્ષીઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં અહીં હેરિયર પક્ષીઓ હજારોની સંખ્યામાં આવે છે. તેમજ લેસર ફ્લોરિકન પક્ષીઓ અહીં પ્રજનન માટે આવે છે જેને નિહાળવા પ્રકૃતિપ્રેમીઓ માટે એક લ્હાવો છે. જે આ નેશનલ પાર્કની વિશેષતા છે. સમગ્ર ગુજરાતમાં વરુઓ સૌથી વધુ સંખ્યામાં અહીં જોવા મળે છે. અહીંનો પ્રાકૃતિક વેટલેન્ડ વિસ્તાર અતિ સમૃદ્ધ છે. જેમાં દેશ વિદેશના અને વિવિધ જાતિના બગલા, બતકો, પેલીકન, અને ફ્લેમિંગો જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.
જીલ્લાના વેળાવદરમાં અને અમદાવાદ જીલ્લાની સરહદે આવેલું કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન જૈવિક વિવિધતા માટે ખુબ જ પ્રખ્યાત છે. આઝાદીના સમયમાં અહીં ૧૦ હજારથી વધુ કાળીયાર જોવા મળતા હતા. કાળક્રમે વસ્તી ઘટતી ગઈ અને ૧૯૬૫ના સમયકાળમાં અહીં માત્ર ૨૦૦ જેટલા કાળીયાર બચવા પામ્યા હતા. કાળીયારની ઘટતી જતી સંખ્યાને કારણે ભાવનગરના મહારાજાએ તેની ચિંતા કરી કાળીયારની સંખ્યા વધારવા પ્રયત્નો શરુ કર્યા અને તેના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, ત્યારબાદ પ્રકૃતિપ્રેમીઓ અને વનવિભાગના પ્રયત્નોથી આ વિસ્તારને અભયારણ્યનો દરજ્જો મળ્યો. ધીમે ધીમે તેની સંખ્યા પુનઃવધતા ૧૯૭૩માં આ વિસ્તારને નેશનલ પાર્કનો દરજ્જો આપવા માગ કરવામાં આવી અને ૧૯૭૫માં આ કાળીયાર અભયારણ્યને સંપૂર્ણ રીતે પ્રોટેક્શન સાથે નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો. હાલ આ વિસ્તારમાં ૬ હજાર કરતા વધુ કાળીયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે તેમજ તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેના સંવર્ધન માટે સરકાર દ્વારા ખુબ પ્રયત્નો થઇ રહ્યા છે. અહીં નેશનલ પાર્કમાં કાળીયાર જોવા પ્રકૃતિ પ્રેમીઓ અને સહેલાણીઓ દેશ વિદેશથી ખુબ મોટી સંખ્યામાં આવે છે. તેમજ કાળીયારને ખુલ્લા વાતાવરણમાં વિચરતા નિહાળી મંત્રમુગ્ધ થઇ રહ્યા છે.
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવતા સહેલાણીઓ માટે અહીં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કાળીયાર નેશનલ પાર્કમાં જવા માટે સહેલાણીઓ ટીકીટ મેળવી પ્રવેશ મેળવી શકે છે. જેના ભાવ પણ બીજા નેશનલ પાર્ક કરતા ખુબ જ ઓછા છે. અહીં જોવા આવતા લોકો માટે ગાડીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને સાથે ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ છે. બહારથી આવતા લોકો માટે અહીં રહેવા અને જમવાની સગવડ કરવામાં આવી છે, પરંતુ પાર્કમાં વધારે લોકો રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વેળાવદર નેશનલ પાર્કથી થોડે દુર આવેલા પ્રાઇવેટ રેસ્ટહાઉસમાં રોકાવું પડે છે. જેના ખુબ ઊંચા ભાડા સૌ કોઈને પરવડતા ન હોઈ તે માટે સહેલાણીઓ સરકાર પાસે પાર્કમાં જ રહેવા માટે વધુ સગવડ ઉભી કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.