પાલીતાણામાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ - ats
ભાવનગરઃ પાલીતાણાના બહારપરા વિસ્તારમાં SOGએ બાતમીના આધારે ગાંજા સાથે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ મહાનિર્દેશક અને સ્ટેટ ATSના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા સુચનાઓ અપાઈ છે. આ માટે ભાવનગર પોલીસે ખાસ ડ્રાઇવ કરી આવા તત્ત્વોને પકડવા બીડુ ઉપાડયુ છે. પોલીસે શહેર અને જિલ્લામાં ચાલતા નાર્કોટિક્સની હેરાફેરના નેટવર્ક ઉપર વૉચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે SOGના પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ બહારપરા વિસ્તારમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડામાં હરકિશન ઉર્ફે ટીણીયો સોમપુરા નામના ઈસમના ઘરમાંથી 5030 રુપિયાની કિંમતનો 905 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો. એક મહિનામાં જ ગાંજો પકડાવવાની આ ચોથી ઘટના છે. કેફી પદાર્થના કારણે એક બાજુ જિલ્લાના યુવાનો આડા પાટે ચઢી રહ્યા છે. એવામાં પોલીસની આ ડ્રાઈવ સતત ચાલે તેવા માગ ઉઠી રહી છે.