- પાલીતાણામાં મળી હિન્દુ એકતા મંચની બેઠક
- શેત્રુંજય પર્વતના નીલકંઠ મહાદેવના મંદિરને ખુલ્લુ મુકવા માગ
- શેત્રુંજય ડેમ પર સી- પ્લેનના પ્રોજેક્ટને મંજૂરી આપવાની રજૂઆત
પાલીતાણા: પાલીતાણામાં હિન્દુ એકતા મંચની બેઠક મળી હતી. જેમાં શહેરની તમામ હિન્દુ ભગીની સંસ્થાઓ આવી હતી. પાલીતાણાના શેત્રુંજય પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં જે હાલ પૂજા અર્ચનાથી વંચિત છે તેને ખુલ્લુ મુકવામાં આવે તેમજ પાલીતાણા નજીક આવેલા શેત્રુંજય ડેમ પર સી- પ્લેનના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવે તેવો બેઠકનો મુદ્દો હતો.
હિન્દુ એકતા મંચની બેઠકમાં શહેરની તમામ હિન્દુ ભગીની સંસ્થાઓ આવી આ કાર્યક્રમમાં પાલીતાણા શહેર, તાલુકા અને ભાવનગર જિલ્લાના રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના સંતો હાજર રહ્યાં હતાં. હાજર રહેલાં સંતોમાં
- ઓમાનંદગિરિબાપુ યોગાનંદ આશ્રમ સતડીયા (રાજુલા)
- શિવચેતન ગિરિ બાપુ યોગાનંદ ગૌશાળા મહુવા
- યોગાનંદગિરિ બાપુ શનિદેવ મંદિર મહુવા
- ધરમદાસ બાપુ રણજીત હનુમાન વાળુકડ
- વૈદ્યનાથ ભારતી બાપુ સાંડખાખરા
- પ્રગટેશ્વર વાળા બાપુ પાલીતાણા
- મુકેશગિરિ બાપુ જીવસેવા આશ્રમ
- જનકગિરિ બાપુ
- હિંમતબાપુ ગોંડલીયા
- રમેશબાપુ શુક્લ
નરેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂવાત જય ઘોષ સાથે કરવામાં આવી હતી.
કુલદિપસિંહ મોરીએ કર્યું સૌનું શાબ્દિક સ્વાગત
હિન્દુ એકતા સમિતિ વતી કુલદિપસિંહ મોરી દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સૌ સમાજ અને સંગઠનના પ્રતિનિધી દ્વારા સંતોનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગ રૂપે સંતો દ્વારા જણાવામાં આવ્યું કે, આજે સમગ્ર હિન્દુ સમાજનું ગૌરવ એવું ભવ્ય રામ મંદિરનું સ્વપ્ન પૂરું થયું છે. ભવ્ય રામ મંદિરના નિર્માણનો હિંદુ સમાજ સાક્ષી બન્યો છે. વર્તમાન હિંદુ સમાજે એક થઈ પાલિતાણા અને તાલુકામાં હિન્દુ એકતા મંચ દ્વારા એમના સ્થાનિક ધાર્મિક તેમજ વિકાસના પ્રશ્ને કામ કરવા સૌ સંતો દ્વારા જણાવ્યું હતું.
શેત્રુંજય પર્વતના નીલકંઠ મહાદેવના મંદિરને ખુલ્લુ મુકવા માગ
પાલિતાણામાં શેત્રુંજય પર્વત ઉપર આવેલા પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિર અને એમના વિકાસ, પૂજા અર્ચના અને ધાર્મિક ઉત્સવ ઉજવાની પાબંધી અને એમના ટ્રસ્ટમાં સ્થાનિક વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા જે અડચણ ઉભી કરવામાં આવે છે અને એમની ખોટી રીતે સ્થાનિક વહીવટી અધિકારીઓને પોતાની સત્તાનો દૂરૂપયોગ કરાવી હિન્દુ સમાજને અન્યાય થઈ રહ્યો છે એ બાબતે આગામી દિવસોમાં સંતો દ્વારા સમાજના આગેવાનો સાથે પાલિતાણાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક હિન્દુ એકતા સમિતિના કાર્યકર્તાઓ રાજુભાઇ ચૌહાણ અને રાજપાલસિંહ સરવૈયા દ્વારા હિન્દુ એકતા સમિતિ પાલીતાણા દ્વારા થતી કામગીરી વિશે સૌને માહિતી આપવામાં આવી હતી અને પાલીતાણાના શેત્રુંજય ડેમ પર સી-પ્લેનની લેવા શરૂ કરવામાં આવે તેમજ પાલીતાણા તાલુકાના દરેક ગ્રામ્યમાં વિકાસ માટે સરપંચ સાથે રહી વિવિધ મુદ્દાને ન્યાય મળી રહે તે માટે કામ કરવા જણાવ્યું હતું.