ભાવનગર : હીરાના પારખુ રત્નકલાકાર પિતાની દીકરી હસ્તી જાસોલિયાએ આજે બહાર પાડવામાં આવેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામમાં નોંધપાત્ર સફળતા મેળવતાં 99.86 પર્સેન્ટાઈલ હાંસલ કર્યાં છે. ગુજરાતના સામાન્ય પ્રવાહના આવેલા પરિણામને લઈને ભાવનગર જિલ્લાનું પરિણામ 81.13 ટકા આવ્યું છે ત્યારે ભાવનગરની સરદારનગર ગુરુકુળની રત્ન કલાકારની દીકરીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દાદાના માર્ગદર્શન નીચે અને શિક્ષકોની મહેનતને પગલે સારું પરિણામ મેળવવામાં હસ્તી સફળ રહી છે. આગામી દિવસોમાં તે આઈ ટી સેક્ટરમાં જવાની વિચારણા કરી રહી છે.
મારે 99.86 પર્સન્ટાઈલ અને 92 ટકા છે. ઘરમાંથી ફૂલ સપોર્ટ હતો. શાંત વાતાવરણમાં તૈયારી કરતી હતી અને શાળામાંથી આપેલા અભ્યાસક્રમને અનુસરીને વાંચવાનું નક્કી કર્યું હતું. જો કે મારે ટ્યુશન નહોતું. શાળાના શિક્ષકોના કારણે મને સફળતા મળી છે. શાળાના શિક્ષકો અને ઘરના વડીલોનો આભાર માનું છું. મને આગળ ગવર્મેન્ટ સેક્ટરમાં જવાની ઈચ્છા છે. આઈટીનો ક્રેઝ જોઈને BCA,MCA સેક્ટરમાં આઇટીમાં આગળ વધવું છે... હસ્તી જાસોલિયા(વિદ્યાર્થિની)
ટ્યુશન ક્લાસ ન હતાં : હસ્તી જાસોલિયાને કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ ન હતાં. માત્ર શાળામાંથી શિક્ષકો દ્વારા કરવામાં આવતી તૈયારીને પગલે હસ્તી ફ્રી સમયમાં અભ્યાસ કરતી હતી. હસ્તીના પિતા એક રત્નકલાકાર છે અને તેના ઘરમાં તેના દાદાનો ખૂબ જ તેને સહયોગ હોવાને કારણે હસતી ટકા મેળવવામાં સફળ રહી છે. હસ્તીથી નાની એક બહેન અને એક ભાઈ પણ છે. જે પણ બંને ગુરુકુળમાં અભ્યાસ કરે છે. ખાસ કરીને ઘરમાં દાદાનો સારો એવો સહયોગ હોવાથી તે ફક્ત અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરતી હતી. સમગ્ર પરિવાર હસ્તીની સિદ્ધિથી ખુશખુશાલ છે.
અમે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ અને હું રત્ન કલાકાર છું. અમારા કુટુંબમાં કોઈ આટલા ટકા આજદિન સુધી લાવ્યું નથી. આથી હસ્તીને લઈને અમે ખુદ હેપી છીએ. મારે સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. મારા પપ્પાનો ખૂબ જ સપોર્ટ હસ્તીને રહ્યો હતો. ઘરમાં કોઈપણ કામ તેને કરવા દેતા નહોતા. આથી હસ્તીને 10થી 12 કલાક વાંચવા માટે મળતાં હતાં. આ મળેલી તકને પગલે હસ્તીએ સારું પરિણામ મેળવી બતાવ્યું છે...પરેશ જાસોલિયા (હસ્તીના પિતા)