સરકારી કચેરીઓના બિલ્ડીંગ પડું પડું ભાવનગર:શહેરમાં માધવ હીલની એક ઘટનાએ મહાનગરપાલિકાને અનેક બિલ્ડીંગો ઉતારવા અને નોટિસો આપીને કડક કાર્યવાહી કરવા મજબૂર કરી દીધા છે. પરંતુ સરકારની જ સરકારી બિલ્ડિંગો પડું પડું અવસ્થામાં છે છતાં મહાનગરપાલિકા તેનાથી અજાણ છે. R&B વિભાગ પાયા હલી ગયેલી બિલ્ડીંગોમાં કરોડોના ખર્ચે રંગ રોગાન કરીને ક્યાંક પાપ ઢાકવાનું કામ કરી રહી હોય તેવું લાગે છે. આવતા જતા અરજદારો સાથે કર્મચારીઓ ક્યારે મોત આવે તે કહી શકાય નહીં તેવા ડર નીચે ફરજ બજાવી રહ્યા છે.
ભાવનગરની સરકારી કચેરીઓ અત્યંત જર્જરિત હાલતમાં ખાનગી બિલ્ડીંગો પર તવાઈ:ભાવનગર તખ્તેશ્વર તળેટીમાં આવેલા માધવહીલ બિલ્ડીંગની બે માળની ગેલેરી પડતા અનેક ઇજાગ્રસ્ત થયાને એક મહિલાનું મોત થયા બાદ ભાવનગર મહાનગરપાલિકા સફાળી જાગી હતી. શહેરમાં અનેક બિલ્ડીંગો ઉતારવાની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કમિશનર એન.વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શહેરમાં સર્વે થયેલી 184 બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 159 જેટલા બિલ્ડીંગ ધારકોએ ગણકારી નહોતી. હાલમાં અતિશય જર્જરીત બિલ્ડીંગોને ઉતારવાનું કામ ચાલી રહ્યું છે. જો કે ભાવનગર શહેરમાં અનેક જર્જરિત બિલ્ડીંગો મહાનગરપાલિકા કડકાઇથી ઉતરાવી રહી છે.
ભાવનગરની સરકારી કચેરીઓ અત્યંત જર્જરિત હાલતમાં સરકારી કર્મચારી કેમ ચૂપ?: ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી બિલ્ડીંગોની હાલત કફોડી છે. જિલ્લાના સર્વે સર્વા કહેવાતા કલેક્ટર કચેરી પણ જર્જરીત જેવી પરિસ્થિતિમાં છે. સજાઓ તૂટી ગયા છે, તો ક્યાંક પ્લાસ્ટર ઉખડી ગયા છે, કલેક્ટર કચેરીમાં જ આવેલી ભૂકંપ રાહતની કચેરી ખુદ જર્જરીત હાલતમાં છે. ભાવનગરની ડિઝાસ્ટર કચેરીની બિલ્ડીંગના પીલરોમાં તિરાડો પડી ગઈ છે, ત્યારે શહેરના સૌથી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવે છે તેવી બહુમાળી ભવનની દશા દયનીય છે. આવતા જતા અરજદારો અને કર્મચારીઓ ક્યારે ઘટના ઘટી જાય અને મોત આવી જાય તે કહી શકાય નહીં તેવું માની રહ્યા છે.
રંગરોગાન કરીને પાપ છુપાવ્યું રંગરોગાન કરીને પાપ છુપાવ્યું:ભાવનગરની બહુમાળી ભવનની જવાબદારી R&B વિભાગની છે. સમગ્ર બિલ્ડીંગ ખખડધજ હાલતમાં છે. થાગડથીગડ કરવામાં આવી રહ્યા છે અને કલર કરવામાં આવી રહ્યો છે, તેમાં પણ બેદરકારી એટલી જોવા મળી રહી છે કે થાગડથીગડ પણ કરવામાં આવ્યા નથી અને સીધો જ કલર લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક પાપ ઢાંકવાનું કામ થયું છે. ત્યાં આવતા અરજદાર હર્ષદભાઈ ભટ્ટ કહે છે કે બિલ્ડીંગની હાલત જર્જરીત છે. હાલ રંગ રોગાનનું કામ ચાલુ છે પણ તેનાથી સ્ટેબિલિટી ઊભી થતી નથી. અહીંયા હજારોની સંખ્યામાં કર્મચારીઓ આવે છે અને અરજદારો પણ આવે છે ત્યારે સરકારે વિચારવું જોઈએ.
રાજ્ય કર્મચારી મહામંડળનો રોષ:ભાવનગર શહેરમાં આવેલું બહુમાળી ભવન એનેક્સી 1 અને એનએકસી 2 એમ બે ભાગમાં વહેંચાયેલું છે. હાલ એક વિભાગમાં રીનોવેશન અને કલર કરવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે એક બિલ્ડીંગમાં તો ના કલર કામ ચાલુ છે કે ના તો રીનોવેશન ચાલુ છે. તેવા બિલ્ડીંગમાં બેઠતી કચેરીઓના કર્મચારીઓ જીવના જોખમે પણ ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભાવનગર યુનિટના પ્રમુખ જલ્દીપ શુક્લાએ જણાવ્યું હતું કે ભાવનગર બહુમાળીને ચાલીસ વર્ષ થયા હશે, હજારો કર્મચારીઓ આવે છે. હજારો અરજદાર આવે છે, હાલમાં બહારથી કલર કામ કરવામાં આવે છે પણ પાયા હચમચી ગયા છેમઆથી સરકારે ધ્યાન દેવું જોઈએ.
મહાનગરપાલિકાએ આપ્યો જવાબ:ભાવનગર મહાનગરપાલિકા હાલ શહેરમાં જર્જરીત બિલ્ડીંગોને ખાલી કરાવી રહી છે. સરકારી બિલ્ડીંગોને પગલે કમિશનર એન વી ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય અને પોલીસ સિવાય અન્ય સરકારી કચેરીઓના બાંધકામ આર એન્ડ બી વિભાગ કરે છે. હાલમાં કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. પરંતુ અમારા ધ્યાને આવશે અને જર્જરીય જણાવશે તો તેની નોંધ લઈને અમે કલેકટરને જાણ કરશુ કારણ કે R&B ના વડા કલેક્ટર કહેવાય છે.
R&B વિભાગ હેઠળ આવતી બિલ્ડિંગની સ્થિતિ: ભાવનગર શહેરમાં R&B એટલે કે માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવેલી કુલ મિલકતો જોઈએ તો રહેણાકી 90 જેટલી છે અને તેમાં બિન ઉપયોગી 30 જેટલી છે. બિન રહેણાંકી 160 જેટલી છે તેમાં બિન ઉપયોગી 11 જેટલી છે. ભાવનગરનું બહુમાળી ભવનનું બાંધકામ 1985/86 માં થયું હતું. તેમાં હાલમાં જાહેર શૌચાલય, કલરકામ, વિટ્રિફાઇડનું કામ, રેલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જોકે માર્ગ અને મકાન વિભાગના અધિકારી છેલ્લા એક અઠવાડિયાથી કચેરીએ મળ્યા નથી. ટેલીફોનીક તેમને ઉપરોક્ત માહિતી મેળવવા પોતાની કચેરીમાં જણાવ્યું હતું ત્યાંથી ઉપરોક્ત માહિતી કચેરીમાંથી ઉપલબ્ધ કરવામાં આવી હતી.
'મારે આવ્યા તેને અઢી વર્ષ થયાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ થયો નથી. તેના પહેલા થયો હોય તો ખ્યાલ નથી. હાલમાં રીનોવેશન કામ 1 કરોડના ખર્ચે આપવામાં આવ્યું છે. એક પણ વિભાગ હસ્તકના અઢી વર્ષમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કદાચ થયા નથી. અમે બિલ્ડીંગ જર્જરિત લાગે તો ગાંધીનગર ડિઝાઇન સર્કલ વિભાગને જાણ કરીયે છીએ અને ત્યાંથી નિર્ણય આવે છે કે રીનોવેશન કરવી કે ખાલી કરાવવી.'-આર.યુ પટેલ, R&B વિભાગ
- Jamnagar News : જામનગરમાં 1404 આવાસ તોડવા ડિમોલિશન શરુ થશે, મનપાને રહીશોની ચીમકી
- Surat Accident News: એક જ ગામના ત્રણ મિત્રો મોતનો કોળિયો બની ગયા, બોલેરો ગાડીએ બાઈકને ફંગોળ્યું