ETV SPECIAL: ભાલમાં ફસાયેલા 80 ટકા કાળિયારનું વન વિભાગે રેસ્કયૂ કર્યુ - ભાલ પંથક
ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં પૂરના પાણી ઓસર્યા બાદ વન વિભાગ દ્વારા કાળિયારોને બચાવવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ ઓપરેશન 80 ટકા પૂર્ણ થયું છે. આ ઓપરેશન દરમિયાન 50થી વધુ કાળિયાર હરણોને મોતનાં મુખમાંથી સફળતા પૂર્વક બચાવી પુનઃ તેમના નૈસર્ગિક સ્થળોમાં છોડવામાં આવ્યા છે.
black buck trapped in Bhal
By
Published : Sep 9, 2020, 5:22 PM IST
|
Updated : Sep 9, 2020, 7:13 PM IST
ભાવનગરઃ ભાલ પંથકમાં આવેલા સવાઈનગર ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા વધુ 3 કાળિયારોને કુતરાઓએ ફાડી ખાધા છે. આ સાથે માત્ર 5 દિવસના સમયમાં કુલ 22 કાળિયારોના મોત થયા હતા. જે કારણે ભાલ પંથકમાં પૂરના પાણી ઓસર્યા બાદ વન વિભાગ દ્વારા કાળિયારોને બચાવવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ ઓપરેશન 80 ટકા પૂર્ણ થયું છે. આ ઓપરેશન દરમિયાન 50થી વધુ કાળિયાર હરણોને રેસ્ક્યૂ કરી નૈસર્ગિક સ્થળોએ છોડવામાં આવ્યા છે.
5 દિવસના સમયમાં દુગર્મ ક્ષેત્રો ખૂંદી 50થી વધુ કાળિયારોનો જીવ બચાવી સુરક્ષિત સ્થળોએ છોડી મુકવામાં આવ્યા
ગત તારીખ 30-31 ઓગસ્ટના રોજ ભાવનગરના પડોશી જિલ્લા બોટાદમાં વરસેલા અતિ ભારે વરસાદને પગલે ચારથી વધુ નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું અને આ નદીઓના પાણી ભાવનગરની ખાડીમાં મળે એ પૂર્વે જળમાર્ગમાં બાધારૂપ મિઠાના અગરોના પાળોઓના કારણે સમગ્ર ભાલ પંથક તથા રેવન્યુ વિસ્તારોમાં પૂરના પાણીનો ભરાવો થયો હતો.
ઓપરેશન અભિયાન કાળીયાર બચાવો હાથ ધર્યું
આ પૂરના પાણીના પગલે દેશમાં આરક્ષિત પ્રજાતિ તરીકે ભાલમાં સચવાયેલા કાળિયાર હરણોના અસ્તિત્વ પર સંકટ તોળાયુ હતું. આ દુર્લભ જીવોને વન વિભાગ બચાવે એ પૂર્વે 22 કાળિયારોને શિકારી કુતરાઓએ ફાડી ખાતા અને ડૂબી જતાં મોતને ભેટ્યા હતા, પરંતુ ભાવનગર વન વિભાગે એલર્ટ બની રાત દિવસની પરવા કર્યા વગર તાત્કાલિકધોરણે રેસ્ક્યૂ ઓપરેશન અભિયાન "કાળિયાર બચાવો" હાથ ધર્યું હતું. 5 દિવસના સમયમાં દુગર્મ ક્ષેત્રો ખૂંદી 50થી વધુ કાળિયારોનો જીવ બચાવી સુરક્ષિત સ્થળોએ છોડી મુકવામાં આવ્યા છે.
ભાલમાં ફસાયેલા 80 ટકા કાળિયારનું વન વિભાગે કર્યુ રેસ્કયૂ
મોટી સંખ્યામાં કાળિયારના મોતની ઘટના અને તેના કારણો
વર્ષ
મોત
કારણ
1973
900થી વધુ
ચક્રવાત
2002
191
પૂર પ્રકોપ
2007
195
ભારે વરસાદ
આ અંગે વધુ વિગતો આપતાં ભાવનગર વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ભાલમાં આવેલા ગામડાઓમાં વસતા લોકો આ દુર્લભ જીવને બચાવવા માટે ખૂબ જ મહત્વ પૂર્ણ યોગદાન આપે છે. જેને પરિણામે કામ સરળ બને છે. ગ્રામજનો અમારા વન કર્મચારી ઓ સાથે ખભેખભો મિલાવી નિ:સ્વાર્થભાવે કામગીરીમાં જોડાય છે. ઈ.સ. 1973ની સાલમાં આવેલા ચક્રવાતને પગલે કાળિયાર અભ્યારણ્યમાં ભારે ખૂંવારી સર્જાઈ હતી. તે સમયે 900થી વધુ કાળિયારોના મોત થયા હતા. ત્યાર બાદ વર્ષ 2002ના ચોમાસામાં પણ પૂર પ્રકોપથી 195 કાળિયારોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લે 2007ની સાલમાં ચોમાસામાં પડેલા ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે 191 કાળિયાર મૃત્યુ પામ્યા હતા, પરંતુ ત્યાર બાદ વન વિભાગ દ્વારા કાળિયારોની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. 24 કલાક રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને સતર્કતાને પગલે કાળિયારોના મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
7 સપ્ટેમ્બર, 2020 -ભાવનગરના ભાલ પંથકમાં આવેલા સવાઈનગર ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા વધુ ત્રણ કાળિયારોને કુતરાઓએ ફાડી ખાધા છે. માત્ર 5 દિવસના સમયમાં કુલ 22 કાળિયારોના મોત થયા છે.
2 સપ્ટેમ્બર, 2020 - ભાલ પંથકમાં કાળિયાર સહિતના પ્રાણીઓ પર જીવનું જોખમ ઉભું થયું છે. નદીઓના પાણી ભાલ પંથકના ગામો અને આસપાસના વિસ્તારમાં મીઠાના અગરના કારણે દર વર્ષે પાણી ભરાઈ જતા ભાલ પંથકમાં વિહરતા કાળિયાર મોતને ભેટતા કાળિયાર સહિતના પ્રાણીઓના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે. તંત્ર દ્વારા કાળિયારના મોત બાદ માત્ર સર્વે કરી નક્કર કામગીરીના કરવામાં આવતા ગ્રામજનો તેમજ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા તંત્ર પર આક્ષેપ મૂક્યો છે.
13 ઓગસ્ટ, 2019 - ભાવનગરઃ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણી છોડાતા ભાલ પંથક જળમગ્ન બન્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાતું હતું. આ માહોલમાં વન્યજીવો માથે મુસીબત આવી પડી છે. આ વરસાદી પાણીના કારણે અત્યાર સુધીમાં કુલ 18 કાળીયારના મોત થયા હતા.
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 22 ઈજાગ્રસ્ત કાળીયારમાંથી 11ના મોત
12 ઓગસ્ટ, 2019 - ભાવનગર: કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવ કાળિયાર અસુરક્ષિત બન્યા છે. ભાલ પંથક આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં આશરે 6 હજાર જેટલા કાળિયાર મુક્તમને વિહરી રહ્યા છે. ભાલ પંથકમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે કાળિયાર ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસી જતા સ્વાન દ્વારા તેના પર હુમલો કરાયો હતો. જેમાં અત્યાર સુધીમાં 22 ઇજાગ્રસ્ત કાળિયારને વનવિભાગે રેસ્ક્યુ કર્યા છે. જેમાના 11 કાળિયારના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.
11 ઓગસ્ટ, 2019 - ભાવનગર: ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ભાવનગરના ભાલ પંથકમાં આવેલા કાળિયાર નેશનલ પાર્ક અને પાર્કની બહાર વસતા અનેક કાળિયારના મોતની આશંકા વધી ગઇ છે.કૂતરા દ્વારા ઇજાગ્રસ્ત થયેલા 15 થી વધુ કાળિયારને વનવિભાગે રેસ્ક્યૂ કરી વેટરનરી ડોકટરોની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપી હતી.
ભાવનગર : ગુજરાત જૈવિક વિવિધતા માટે ખૂબ જાણીતું છે. જ્યાં વિવિધ જાતિના પ્રાણીઓ અને પક્ષીઓ પ્રાકૃતિક વાતાવરણમાં અહીં વસવાટ કરે છે. પક્ષીઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે સંપદાઓને જાળવી રાખવા અને તેનું સંવર્ધન કરવા અનેક અભ્યારણ જાહેર કરવામાં આવેલા છે. તેમજ ચાર જેટલા પ્રાકૃતિક અભ્યારણને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.