ભાવનગરના મહુવાનો મેથળા બંધારો છલકાયો, ભૂમિપુત્રોમાં ખુશીની લહેર - MCFC પાણીનો સંગ્રહ
ભાવનગરઃ ભાવનગર જિલ્લાના બગડ નદીમાં એકઠું થતું વરસાદી પાણી રોકવા માટે ઊંચા કોટડાનાં દરિયા વચ્ચે એક મેથળા બંધારો બાંધવાની યોજના અમલમાં મુકાઈ હતી. સરકારમાં છેલ્લા 35 વર્ષથી આ યોજના આમ તેમ ફંગોળાતી હતી, ત્યારે તળાજા અને મહુવાનાં 15 ગામના ખેડૂતોએ લોક ફાળાથી હાથોહાથ કામે લાગી દરિયામાં 1 કિલોમીટર લાંબો મેથળા બંધારો બાંધી સરકારના ગાલ પર તમાચો મારી દીધો છે. હવે આ મેથળા બંધારો છલકાતા ખેડૂતોના મુખ પર અલભ્ય સ્મિત છલકાઈ રહ્યું છે.
ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના 35 જેટલા ગામો કે જે દરિયા કાંઠે આવેલ છે, જ્યાં દરિયાના ખારા પાણીના કારણે ખેડૂતોની મહામૂલી ફળદ્રુપ જમીનમાં ખારાશ પ્રસરતી જઈ રહી હતી. જેને રોકવા બંધારાની તાતી જરૂરિયાત હતી. સમગ્ર પંથકના લોકો દ્વારા મીઠા પાણીને રોકવા માટે મેથળા બંધારો બાંધી આપવા માટે છેલ્લા 35 વર્ષથી સરકારમાં વારંવાર અને વખતોવખત રજૂવાતો કરવામા આવી હતી. પરંતુ, સરકારની ઢીલી નીતિ અને જમીનને ઉદ્યોગો માટે વેચી દેવાની મેલી મુરાદના કારણે સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતરના મળતા ગામનાં ખેડૂતોએ એકઠા થઈને સ્વયંભૂ બાંધરો બાંધવા કમરકસી, મેથળા ગામ નજીક નદીના વહેંણ અને દરિયાની વચ્ચે એક કિલોમીટર લાંબો મેથળા બંધારાનું માટી કામ હાથ ધર્યુ હતું.