બોટાદ જિલ્લાના જગ પ્રસિદ્ધ ગઢપુર ગઢડા ખાતે આવેલા વિશ્વવિખ્યાત ગોપીનાથજી મંદિરમાં 13 વર્ષ બાદ મંદિરના વહીવટની ધૂરા સંભાળતી મુખ્ય સાત બેઠકો માટે આગામી તારીખ 5 મે,2019ના રોજ ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગઢડા ગોપીનાથજી મંદિરમાં કાર્યરત આચાર્ય પક્ષની દેવ પક્ષ પૈકી હાલ આચાર્ય પક્ષ દ્વારા મંદિરના સંપૂર્ણ વહીવટની જવાબદારી સંભાળવામાં આવી રહી છે.
જોકે, દેવ પક્ષ દ્વારા જ છેલ્લા લાંબા સમયથી નવી મતદાર યાદી જાહેર કરવાથી લઈ મતદાર યાદીમાં મતદારોના નામ ઉમેરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં આ મુદ્દાને લઇને છેલ્લા દસેક વર્ષથી ચાલતા લાંબા કાનૂની વિવાદના અંતે કોર્ટે આઠ સપ્તાહમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત કરી તેનો અહેવાલ કોર્ટમાં રજુ કરવા આદેશ કર્યો છે. આ સાથે કોર્ટ દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ સોનીની પણ નિયુક્તિ કરવામાં આવી છે.