જિલ્લામાં વાવાઝોડાને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે. જિલ્લાના 42 ગામોને અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેને ધ્યાનમાં રાખીને 8 ગામ દીઠ એક કલાસ વન ઓફિસરની ટીમ બનાવવામાં આવી છે.
ભાવનગરમાં 'મહા' વાવાઝોડાને પગલે કલેક્ટરે યોજી બેઠક - ભાવનગર વહીવટીતંત્ર
ભાવનગરઃ ગુજરાતભરમાં 'મહા' વાવાઝોડાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેથી દરિયા કાંઠે આવતાં અથવા તો દરિયાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાને લઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાતંત્ર દ્વારા પણ રાહત અને બચાવ કામગીરીના કાર્યની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટરે બેઠક કરી હતી. જેમાં જિલ્લા અસરગ્રસ્ત ગામોને ધ્યાનમાં રાખીને ટીમ બનાવીને તેની ફાળવણી કરવામાં આવી છે. તેમજ NDRF ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.
વાવાઝોડાના કારણે વૃક્ષો અને કાચા મકાનો ધરાશાયી થવાની શક્યતાને પગલે ડિઝાસ્ટર ટીમ તૈયાર રાખવામાં આવી છે. તેમજ 23 જવાનોની NDRF ટીમને પણ તૈનાત કરાઈ છે. આમ, વાવાઝોડાથી થનારી અસરોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વાવાઝોડાની અસર અંગે વાત કરતાં કલેકટરે જણાવ્યું હતું કે, "જિલ્લામાં 152 કિલોમીટરનો દરિયા કાંઠો છે અને જિલ્લામાં 255 માછીમારોની બોટ નોંધાયેલી છે. તે તમામ બોટોને કિનારા પર લઈ આવવામાં આવી છે. વરસાદની સંભાવનાના પગલે જિલ્લાના સૌથી મોટા અલગ શિપબ્રેકીંગ યાર્ડના મજૂરોને ખસેડવામાં આવ્યા છે."