ગુજરાત

gujarat

ETV Bharat / state

પડ્યા પર પાટું: કોરોનાએ રોજગારી છીનવી અને વરસાદે રોટલો - Corona period

કોરોના કાળ દરમિયાન અનેક લોકો બેરોજગાર બનતા પોતાના વતન પાછા ફરવાનો વારો આવતા રોજગારી માટે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના સીદસર ગામના એક પરિવારે કોરોનાના કપરા સમયમાં રોજગાર ગુમાવતા મુશ્કેલી બાદ ખેતીકામની શરૂઆત કરી હતી, પરંતું તેમનો પાક નિષ્ફળ જતા તેમની હાલત પડ્યા પર પાટું જેવી થઇ છે.

સીદસર ગામ
સીદસર ગામ

By

Published : Oct 9, 2020, 10:58 PM IST

ભાવનગર :સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન કરવામાં આવતા રોજગાર ઉદ્યોગ ઠપ થઈ જતા લોકોની આજીવિકા પર સીધી અસર થતા રોજગાર માટે સ્થળાંતર થયેલા પરિવારોની આજીવિકા પર મોટી અસર થઇ હતી. આવા સમયે રોજગાર માટે સ્થળાંતર થયેલા પરિવારે પોતાના વતન પરત ફરવાનો વારો આવ્યો છે.

પાક નિષ્ફળ જતા તેમની હાલત પડ્યા પર પાટું જેવી થઇ

આ વાત છે, ભાવનગર જિલ્લામાં આવેલા સીદસર ગામના રહેવાસી ચંદુભાઈ બાંભણિયાની. ચંદુભાઈ ત્રણ વર્ષ પહેલા રોજગારી અર્થે સુરત શહેર ગયા હતા. જ્યાં તેમને એક કંપનીમાં એમ્રોડરી ભરતકામ કરવાની શરૂઆત કરી હતી. સુરતમાં સ્થાયી થયા બાદ એમ્રોડરી ભરતકામમાં ચંદુભાઈ મહિને 20થી 25 હજાર રૂપિયા કમાતા થયા અને ધીમે ધીમે સુરત શહેરમાં તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવવા લાગ્યો હતો, પરંતુ કોરોના સંક્રમણને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવતા ધંધારોજગાર ઠપ થઈ ગયા હતા.

એક પરિવારે કોરોનાના કપરા સમયમાં રોજગાર ગુમાવતા મુશ્કેલી બાદ ખેતીકામની શરૂઆત કરી

લોકડાઉનને કારણે બેરોજગાર બનેલા ચંદુભાઈને સુરતમાં રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી થઈ રહી હતી. જે કારણે સહપરિવાર પોતાના વતન પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. ચંદુભાઈ લોકડાઉન દરમિયાન પોતાના વતન સીદસર ગામ પરત આવી ગયા હતા.

કોરોનાએ રોજગારી છિનવી અને વરસાદે રોટલો

કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો હતો, સમગ્ર દેશમાં લોકડાઉન હતું, જેના કારણે ભાવનગરમાં પણ તેમને કોઇ રોજગારી મળી ન હતી. જે કારણે તેમને પરિવારનું ગુજરાન ચલાવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.

પણ કહેવાય છે ને, મુશ્કેલીના સમયમાં કામ આવે એજ સાચો મીત્ર. આવા કપરા સમયમાં ચંદુભાઇના નાનપણનો મિત્ર કિશોરભાઈ તેમની મદદે આવ્યા હતો. કિશોરભાઈ પોતાની પાસે રહેલી 8 વિઘા જમીનમાંથી 2 વીઘા જમીન ચંદુભાઈને વાવવા માટે આપી હતી.

ચંદુભાઈને ખેતી માટે જમીન તો મળી, પરંતુ તેમાં ખાતરપાણીના રૂપિયા પણ તેમની પાસે ન હતા. તેમના મિત્ર કિશોરભાઈએ તેમને રૂપિયાની સગવડ પણ કરી આપી હતી. જે બાદ ચંદુભાઇએ બે વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેતરમાં ડુંગળીનો સારો મોલ થતા તેમને આવક માટે આશાનું નવું કિરણ દેખાયું હતું, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ અતિવૃષ્ટિ થતાં તેમની પાકેલી ડુંગળીનો પાક બળી જતા ચંદુભાઇ અને તેના પરિવાર પર મોટી આફત આવી પડી હતી.

આટલું ઓછૂં હોય તેમ, અનલોક દરમિયાન ઉદ્યોગો ફરી શરૂ થતા ચંદુભાઈ સુરત જઈને રોજગાર મેળવી મિત્રએ કરેલી મદદને ઋણ સ્વરૂપે ચૂકવવાનો નિર્ણય કરી પાછા સુરત એમ્રોડરી કામ માટે ગયા હતા, પરંતુ ફેક્ટરીમાં પણ લોકડાઉનની અસર થતા ફેકટરીમાં પણ કામ મળ્યું ન હતું. જે કારણે ત્યાંથી પણ તેમને વીલા મોઢે તેમને પરત ફરવું પડ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ તેમને ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમાં કેટલાક નિયમોના કારણે તેમને સહાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ ચંદુભાઇ અને તેમનો પરિવાર મુશ્કેલીભર્યો સમય પસાર કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details