ભાવનગર : શીપ બાયરો દ્વારા ખરીદાયેલા જહાજો હાલના સંજોગોમાં અલંગમાં ભંગાણ માટે નહિ આવી શકે. કોરોના વાયરસના વ્યાપને અટકાવી દેવા માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વના પગલાઓ ભરવામાં આવી રહ્યાં છે. જયારે તેની અસરના પગલે અલંગ શિપિંગ યાર્ડમાં તેની સારી-ખરાબ બંને બાબતો પણ અસર થશે તેવું શીપબ્રેકરો કહી રહ્યાં છે.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર 'કોરોના ઈફેક્ટ', ભંગાણના જહાજો પર બ્રેક કોરોના વાયરસના કારણે દુનિયામાં 6000થી વધુ લોકોના મોત થયા છે. કોરોનાના કારણે અનેક દેશોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. એશિયાના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ એવા અલંગમાં પણ કોરોના ઈફેક્ટના પગલે અહી વિદેશોમાંથી ભંગાણ માટે આવતા જહાજો પર બ્રેક મારી દેવામાં આવી છે. એક મહિના સુધીના સમયગાળા માટે નવી શિપોને બીચિંગ નહિ કરવામાં આવે એટલે કે, જે શીપ ભંગાણ માટે આવવાના છે. તેને જે તે જગ્યા પર જ રોકવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
ખાસ ચીન, જાપાન, ઇટલી ફ્રાંસ, જેવા પાંચ દેશોમાંથી આવતા જહાજો પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોરોના આ સમયગાળામાં કાબુમાં નહીં આવે તો વધુ સમય માટે જહાજોની આવક પર બ્રેક મારવામાં આવશે. આ ઉપરાંત અનેક જહાજોના થયેલા સોદા કેન્સલ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. કોરોનાને પગલે ડોલરના ભાવમાં વધારો થતા શીપના પેમેન્ટ બાબતે પણ નુકસાની સહન કરવી પડી રહી છે. જયારે બીજી તરફ ઉદ્યોગોને અસર થતા હાલ કાચામાલની માગ અને ભાવ ઘટ્યા છે.
જયારે ફાયદાની વાત કરીએ તો શીપની ખરીદીમાં ભાવો હાલ ઘટી ગયા છે, પરંતુ શીપની ખરીદી હાલ કરી શકાય તેમ નથી. જહાજો અગાઉથી જ એન્કર પર આવી પહોંચેલા છે. તેમાં કોરોનાના કારણે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં સૌપ્રથમ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ક્રૂ મેમ્બરોની તપાસ અને સ્ક્રિનિંગ બાદ જ અન્ય વિભાગો અને શિપબ્રેકરો શીપ પર જાય છે. તેમજ કોઈ શંકાસ્પદ કેસ સામે આવશે તો તેને 14 દિવસ સુધી અલંગ ખાતે તૈયાર કરાયેલા અલગ વોર્ડમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવશે. કોરોના વાયરસને પગલે અલંગમાં સરકારે જાહેર કરેલી તમામ પ્રકારની ગાઇડલાઇન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીના પ્રારંભમાં અલંગ ખાતે 80 જેટલા શીપ કટિંગ માટે આવી ચુક્યા છે. જેથી હાલ બે માસ જેટલા સમયસુધી અલંગમાં કામ અટકશે નહિ, પરંતુ જો અને તો વચ્ચે કોરોનાની અસર કેટલી અને કેવી રહે છે. તેના પર અલંગનું ભાવી નક્કી થશે તેવું હાલ કહી શકાય.