- ઘોઘાથી હજીરા વધુ એક રોપેક્ષ ફેરી શરૂ કરવા પ્રયાસો
- રોપેક્ષ ફેરી સર્વિસનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ
- રોપેક્ષ ફેરી સર્વિસનું વડા પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું ઇ-લોકાર્પણ
ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી દહેજ ખાતે દરિયાઈ મુસાફરી માટે ફેરી સર્વિસની શરૂઆત થાય તે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને કઇ રીતે જોડી શકાય, કઇ રીતે સડક માર્ગના અંતરને ઓછું કરી જળમાર્ગ સાથે જોડી શકાય તે દિશામાં કામગીરી કરવામાં સરકાર આગળ ધપી રહી છે.
તાજેતરમાં જ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસનું વડા પ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસનો સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાતના મોટા ભાગના લોકો તેમજ વેપારીઓ દ્વારા આ ફેરી સર્વિસનો લાભ લેવામા આવતા રોપેક્ષ ફેરી સર્વિસને સારો એવો પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં સરકાર દ્વારા વધુ એક ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.
ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસની વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા વિચારણા ભાવનગરથી મુંબઈની નવી જળમાર્ગ કનેક્ટિવિટીનો ચાલી રહ્યો છે સર્વે
ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થતા બાદ રોડ પર થતા પરિવહન સમયમાં ઘટાડો થયો છે, તેમજ ટ્રાન્સપોર્ટેશન સહેલું થતા માલ પરિવહનમાં પણ ઝડપ આવતા ઉદ્યોગ જગતમાં પણ નવી ક્રાંતિનું નિર્માણ પણ આવનાર દિવસોમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વ્યાપારિક દ્રષ્ટિએ નજીક આવવાના છે અને તેનો સીધો લાભ ભાવનગર જિલ્લાને મળવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ઘોઘા-હજીરા ફેરી સર્વિસ બાદ સરકાર દ્વારા ઘોઘા-મુંબઈ ફેરી સર્વિસ ચાલુ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. ઘોઘા-મુંબઇ રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. ભાવનગર-મુંબઇ વચ્ચે રેલ, સડક અને હવાઇ કનેક્ટિવિટી છે, હવે જળમાર્ગથી આ બંને શહેરોને જોડવા માટેનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
પીપાવાવ પોર્ટને પણ રોપેક્ષ ફેરી સર્વિસનો લાભ મળે તે દિશામાં પણ વિચારણા
હજીરા-મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવનાર ફેરીને ઘોઘા-હજીરા-મુંબઇ રૂટમાં તબદીલ કરવા માટે યોજના ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના વિકાસ માટે મુંબઇ સુધીનો જળમાર્ગ વધુ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત પીપાવાવ પોર્ટને પણ રોપેક્ષ ફેરી સર્વિસનો લાભ મળે તે દિશામાં પણ વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી હોવાનું ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા જણાવ્યું છે.