એક બોર્ડ ધ્વસ્ત થતા પોલીસને અરજી ભાવનગર :શહેરના ચાવડીગેટ વિસ્તારમાં વિધર્મીએ મકાન ભાડે માંગવું નહિ કે ખરીદવું નહિ તેવા લાગેલા બોર્ડને કોઈએ તોડી દીધા બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્થાનિકો ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન દોડી ગયા અને લેખિત અરજી આપી હતી. સ્થાનિકોની માંગ છે કે, આજે બોર્ડ હટાવ્યું છે, કાલે ઘરમાં ઘુસી શકે છે. ત્યારે પોલીસે મામલો જૂનો હોવાનું જણાવી રહી છે.
શું છે મામલો ? ભાવનગર શહેરના ચાવડી વિસ્તારમાં શુક્રવારના દિવસે "વિધર્મીએ મકાન ભાડે માંગવું નહિ કે ખરીદવું નહીં" તેવું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. તેને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો છે. સ્થાનિકો ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. સ્થાનિકો દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે.
આ પ્રકારની કોઈ અરજી અમારી પાસે આવી નથી. એવી કોઈ મોટી ઘટના નથી તેવું પોલીસ તંત્રમાંથી જાણવા મળ્યું છે. --આર. કે. મહેતા (ભાવનગર જિલ્લા કલેક્ટર)
સ્થાનિકોનો આક્ષેપ : આ અંગે સ્થાનિક નર્મદાબેનનું કહેવું છે કે, આજે બોર્ડ પાડવામાં આવ્યું છે, હાલ અમારા ઘરમાં ઘૂસી જાય તેની શું ગેરંટી ? આ પ્રકારના બનાવો 10 થી 15 દિવસે એકવાર બનતી રહે છે. આથી અમને અશાંતધારો આપો. જ્યારે દિનેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ 2.30 વાગ્યાના સમયે બધા સૂતા હોય ત્યારે પાડી દેવામાં આવ્યું છે. આથી અમે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે.
અશાંતધારો લાગુ કરવા માંગ : ભાવનગર શહેરમાં હાલમાં જ કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે ચાવડીગેટ વિસ્તાર હજુ પણ અશાંતધારાની બહાર છે. સ્થાનિકો દ્વારા અશાંતધારાની માંગ પણ કરવામાં આવેલી છે. શુક્રવારે બનેલા બનાવવામાં પોલીસ સ્ટેશનના PI પી. ડી. પરમારે જણાવ્યું હતું કે, ચાવડીગેટ વિસ્તારમાં જ્યાં બોર્ડ પાડી દેવામાં આવ્યું છે, તેને લઈને અરજી કરવામાં આવી છે. જેમાં સમગ્ર મામલો જૂનો હોય કે જ્યાં એક લઘુમતી સમાજના વ્યક્તિએ મકાન ખરીદેલું હોય, જે અન્ય વ્યક્તિને વેચ્યું હતું. તે હવે અન્ય વ્યક્તિ ડેવલોપ કરવા માંગે છે. જેને પગલે સ્થાનિકોનો વિરોધ છે. જોકે, એક બાઈક પણ રાત્રિ દરમિયાન સળગાવવાનો કિસ્સો ઘટ્યો એ જ વિસ્તારમાં બોર્ડ પાડવામાં આવ્યું છે. ત્યારે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ.
ચાવડીગેટ વિસ્તારમાં જ્યાં બોર્ડ પાડી દેવામાં આવ્યું છે, તેને લઈને અરજી કરવામાં આવી છે. અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. -- પી. ડી. પરમાર (PI, ભાવનગર પોલીસ સ્ટેશન)
બોર્ડ લગાવવું કાયદેસર ? ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં "વિધર્મીઓએ મકાન ભાડે માંગવું નહિ કે ખરીદવું નહિ" તેવું બોર્ડ લગાવવું કાયદેસર છે કે ગેરકાયદેસર તે એક પ્રશ્ન છે. પરંતુ અહીંયા સ્થાનિકો દ્વારા લગાવેલ બોર્ડ ધ્વસ્ત કરવા મામલે પોલીસ સ્ટેશનમાં અરજી તો આપવામાં આવી છે. પરંતુ પોલીસ દ્વારા પ્રાથમિક રીતે સ્થાનિકો અશાંતધારો લાગુ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને કલેક્ટર આર. કે. મહેતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ અરજી અમારી પાસે આવી નથી. એવી કોઈ મોટી ઘટના નથી તેવું પોલીસ તંત્રમાંથી જાણવા મળ્યું છે.
- Bhavnagar Schools : શાળાના બગીચા અને હોલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, હાથમાં લાડવો ને ખવાય નહીં એ સ્થિતિમાં શાળા
- Bhavnagar News : ઈચ્છામૃત્યુની માંગ સાથે મહુવાના માતા-પુત્ર પહોંચ્યા કલેક્ટર કચેરી, જાણો શું છે મામલો...