ભાવનગર: ભાવનગર જિલ્લામાં વરસાદી સીઝન દરમ્યાન 85 ટકા વરસાદ વરસતા જિલ્લાનાં નાના-મોટા કુલ 12 ડેમ માના સૌથી મોટા પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમ છેલ્લા પાંચ વર્ષ બાદ 34 ફૂટ પાણીથી ભરાઈ ગયાં છે. જેથી શહેરીજનોને પીવાના પાણીનો તેમજ સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થયો છે અને ખેડૂતો હર્ષની લાગણી અનુભવી રહ્યાં છે.
સતત 15 દિવસના વરસાદી માહોલ વચ્ચે ગોહિલવાડ પંથકનાં નાના-મોટા ડેમની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ભાવનગર, ગારિયાધાર, સિહોર, પાલિતાણા, તળાજા અને જેસરમાં ભારે વરસાદના કારણે જિલ્લાના 4 ડેમમાં પાણીની સતત આવક ઉપરાંત અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાઈ જતા ડેમમાંથી છોડવામાં આવેલ વધારાનું પાણી શેત્રુંજી ડેમ તરફ આવતા ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફલો થતા ડેમના 50 દરવાજા ખોલવામાં આવ્યા હતાં.
ભાવનગરમાં નાના મોટા કુલ 12 ડેમમાં પાણીની આવક થતા 80 ટકા પાણી સંગ્રહ ભાવનગર જિલ્લામાં કુલ 4 મોટા ડેમ આવેલા છે. જેમાં મહુવામાં માલણ ડેમ, તળાજામાં હમીરપરા, મહુવામાં રોજકી ડેમ તેમજ પાલીતાણામાં શેત્રુંજી ડેમ આવેલા છે. જિલ્લાનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ આ વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન સરેરાશ 85 ટકા વરસાદ થતા 34 ફૂટે ઓવરફલો થયો છે. ભાવનગરના ડેમો જીવંત સગ્રહ શક્તિની હાલની સ્થિતિ જોવામાં આવે તો ડેમમાં 420.68 મીલીયન ઘનમીટરની ક્ષમતા સામે 370.86 મિલયન ઘનમીટર પાણીનો સંગ્રહ હાલ જોવા મળી રહ્યો છે.
શેત્રુંજી ડેમ ભરાતા ભાવનગર શહેરીજનોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો તેમજ ખેડૂતોને સિચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થતા ખેડૂતો હર્ષની લાગણી અનુભવી રહ્યાં છે, તો બીજી તરફ જિલ્લાના તાલુકા પર આવેલ ડેમોમાં પાણીની આવક અને જળ સંગ્રહની જો વાત કરવામાં આવે તો...
- શેત્રુંજી ડેમ 98 ટકા
- રાજવાવ ડેમ 11 ટકા
- ખારો ડેમ 83 ટકા
- માલણ 100 ટકા
- રંઘોળા 86 ટકા
- લાખણકા 4 ટકા
- હમીરપરા 100 ટકા
- હણોલ 68 ટકા
- બગડ 65 ટકા
- રોજકી ડેમ 100 ટકા
- જસપરા ડેમ 46 ટકા
- પિંગળી ડેમ 45 ટકા