ગુજરાતનો દરિયા કિનારો અતિ સમૃદ્ધ માનવામાં આવે છે. દરિયા કાંઠે વસેલા શહેરોમાં ખૂબ મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા છે અને આવન-જાવન માટે રોડ માર્ગ ખૂબ લાંબો છે. જેના કારણે સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે. આ સમસ્યાનો માત્ર એકજ ઉપાય હતો દરિયાઈ માર્ગ જેને સીમિત કરી દેવાય તો સમય અને રૂપિયાની બચત થઈ શકે અને એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોઘા-દહેજ પ્રોજેકટને પ્રારંભ કરાયો અને આ પ્રોજેકટ વર્ષ 2017 માં ઘોઘા-દહેજ રો-પેકસ ફેરી સેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત્ લોકાર્પણ કરી સૌરાષ્ટ્ર ની જનતા માટે આલા દરજ્જાની સેવા ખુલ્લી મુકી હતી.
સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોએ આનો ખૂબ લાભ ઉઠાવ્યો, સમય અને પૈસાની બચત ઉદ્યોગો માટે અતિ મહત્વપૂર્ણ બાજુ છે, પરંતુ થોડો સમય બધું ઠીક ઠાક ચાલ્યું ત્યાર બાદ યેનકેન પ્રકારે વારંવાર સેવા બંધ-ચાલુ થતી રહી અને અંતે સરકારે થોડા દિવસ પહેલા રો-પેક્સ ફેરી સર્વિસ ફરી બંધ કરી દીધી, જેના કારણે ઉદ્યોગકારોને ફરી સમય અને પૈસાનો વેડફાટ સહન કરવાનો વારો આવ્યો, ફેરી બંધ કરવા પાછળ મુખ્ય અને મહત્વપૂર્ણ બાબત ડ્રેઝીગની સમસ્યા છે. જેમાં દહેજ ટર્મિનસ પર મોટી માત્રમાં કાંપનો ભરાવો થઇ જતાં સમુદ્રમાં બનાવેલ ચેનલ ભરાઈ જાય છે પરિણામે શીપને પુરતા પ્રમાણમાં પાણીનો ડ્રાફટ ન મળતાં શિપના વિન્ડ કાપમા ખૂપી જાય છે અને શીપને નુકશાન થાય છે.
તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થતાં દક્ષિણ ગુજરાતની તાપી, નર્મદા, મહી, વિશ્ર્વામિત્રી, સહિતની નદીઓમાં ભારે પૂર આવ્યાં હતાં, આ પૂર સાથે મોટી માત્રામાં કાપ-માટી, કચરો પુરના પ્રવાહ સાથે ઘસડાઈને ખંભાતના અખાતમાં ઠાલવાયો હતો. આ કાપ દરિયાના હેવી કરંટના કારણે દહેજ ટર્મિનસ સ્થિત ચેનલ સુધી પહોંચી રહ્યો છે અને એ ચેનલ ભરાઈ રહી છે. રો-પેકસ ફેરી સેવા નિર્વિઘ્ન રીતે ચલાવવા માટે નિયમિત રીતે ડ્રેઝીગ કરવું અત્યંત જરૂરી છે ત્યારે જીએમબી દ્વારા આ બાબતે સતત ઉદાસીનતા દાખવવામાં આવતા ફેરી સર્વિસને ગ્રહણ લાગી ગયું છે.