ભાવનગર: સિહોર નજીક ઘાંઘળી ખાતે કે.બી.ઇસ્પાત પ્રાઈવેટ લી. નામની રોલિંગ મિલ ધરાવતા કુમાર રસિકભાઈ વોરા કે જે ભાવનગરના ગીતાચોક વિસ્તારમાં રહે છે. જેમણે સરકારની ગાઈડલાઈન મુજબ 22 તારીખે પોતાની રોલિંગ મિલમાં ફરી કામકાજનો પ્રારંભ કર્યો હતો. જેમાં 100થી વધુ લોકો કામે જોડાયા હતા, પરંતુ ભાવનગર કોર્પોરેશનની એક્ટીવ સર્વેલન્સ ડ્રાઈવ દરમ્યાન કોર્પોરેશન સ્ટાફ દ્વારા લેવામાં આવેલા સેમ્પલો પૈકી આ રોલિંગ મિલના માલિક કુમાર વોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી.
જેમાં સિહોર આરોગ્ય વિભાગની ટીમ મિલમાં દોડી ગઈ હતી અને મિલને સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરી હતી. આ રોલિંગ મિલમાં જ રહેતા અને કામ કરતા 96 લોકોને 14 દિવસ સુધી કવોરન્ટાઇનમાં રહેવા અને રોલિંગ મિલના કમ્પાઉન્ડ માંથી બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે, તો અન્ય 6 લોકોને ભાવનગર સમરસ હોસ્ટેલ ખાતે કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.