બજેટ પહેલા નાણા પ્રધાનને માગ ભાવનગરઃકેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાંથી અનેક ઉદ્યોગકારો અને વેપારીઓને ઘણી જ આશા છે. ત્યારે વાત કરીએ ભાવનગરની. તો જિલ્લાના સિહોરમાં આવેલી રોલિંગ મિલો સ્ટીલ ઉત્પાદનનું મોટું હબ છે. તેવામાં હવે રોલિંગ મિલોમાં સામે આવતા બોગસ બિલિંગ કેસને ડામવા એસોસિએશન RCM એટલે કે રિવર્સ ચેન્જ મિકેનિઝમ લાગુ કરવાની માગ કરી રહી છે. તેવામાં હવે આ માગ અંગે જોઈએ આ અહેવાલ.
આ પણ વાંચોBudget 2023 થી પગારદાર વર્ગને છે આ 5 અપેક્ષાઓ, income tax ની મર્યાદા વધશે?
બજેટ પહેલા નાણા પ્રધાનને માગઃ ભાવનગરનું સિહોર સૌથી મોટું સ્ટીલનું ઈન્ડસ્ટ્રીયલ હબ કહેવામાં આવે છે. સરકારના આગામી બજેટમાં બોગસ બિલિંગને પણ અટકાવી શકાય તેવા RCM રૂલ્સ લાગુ કરવાની અપેક્ષા સેવવામાં આવી છે. બજેટ પહેલા કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને લેખિત માગ પણ રી રોલિંગ મિલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
સરકારના એક નિર્ણયથી થઈ શકે છે ફાયદો: એશિયાનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગર જિલ્લામાં આવેલું છે, જેના કારણે સિહોરમાં એક સ્ટીલ ઇન્ડસ્ટ્રીયલ હબ ઊભું થયેલું છે. શિહોરમાં મોટી સંખ્યામાં રી રોલિંગ મિલો ધમધમી રહી છે. આ મિલોમાં આવતો કાચો માલ ટેક્સ ભરપાઈ કરેલો છે કે કેમ? તેની કોઈ સાબિતી રી રોલિંગ માલિકોને આધારભૂત મળતી નથી. આથી રી રોલિંગ મિલના પ્રમુખ હરેશ સચદેવાએ જણાવ્યું હતું કે, આ કાચા માલને પગલે RCM લાવવામાં આવે તો સરકાર અને રી રોલિંગ મિલોને મોટો ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચોBudget 2023 : 30 વર્ષમાં માત્ર બે વાર જ બજાર બજેટ પહેલા અને પછી વધ્યું હતું, મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ શેરબજારનું વલણ
RCM રુલ્સથી રોકાશે બોગસ બિલિંગઃસિહોર રોલિંગ મિલોનું મોટું હબ છે. આશરે 100થી વધુ મિલો સિહોરમાં આવેલી છે. અલંગમાંથી નીકળતું લોખંડ મોટા ભાગે સિહોર મિલોમાં પહોંચે છે. ત્યારે રી રોલિંગ મિલોને કાચા માલ ઉપર ટેક્સ ભરપાઈ કરેલો છે કે કેમ? તેની કોઈ આધાર પૂરાવાવાળી પદ્ધતિ ન હોવાથી બોગસ બિલિંગના કેસો પણ સામે આવતા હોય છે, જેમાં નિર્દોષ સાચો માણસ પણ જેલના સળિયા પાછળ જઈ રહ્યો છે.
બોગસ બિલિંગ અટકી જશેઃ રી રોલિંગ મિલ એસોસિયેશનના પ્રમુખ હરેશભાઈ સચદેવાએ જણાવ્યું હતું કે, RCM એટલે રિવર્સ ચાર્જ મિકેનિઝમ જે લાગુ કરવામાં આવે તો તેમાં રી રોલિંગ મિલ જ કાચામાલનો સીધો ટેક્સ ભરપાઈ કરી દેશે, જેથી સરકારને પણ ટેક્સની આવક થશે. આમ, RCMથી બોગસ બિલિંગ પણ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં થતું અટકી જશે. છેલ્લા 2 મહિનાથી અમે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને પણ આ મુદ્દે માગ કરી છે. અમને અપેક્ષા છે કે આ બજેટમાં RCM લાગુ કરવામાં આવશે.
વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે પણ માગઃભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ હોવાથી સિહોરમાં રી રોલિંગ મેલો ધમધમી રહી છે. અહીં રોજગારીની અનેક તકો ઊભી થયેલી છે. ત્યારે સરકાર વ્હીકલ સ્ક્રેપ યાર્ડ પણ ભાવનગર જિલ્લાને આપવા જઈ રહ્યું છે. વ્હીકલ સ્ક્રેપ યાર્ડ પણ રી રોલિંગ માટે ફાયદાકારક છે. જ્યારે રી રોલિંગ મિલના પ્રમુખ હરેશભાઈએ જણાવ્યું હતું કે, સિહોર એક ઇન્ડસ્ટ્રીયલ હબ બની ગયું છે. આથી વ્હીકલ સ્ક્રેપ યાર્ડ સિહોર આસપાસ ફાળવવામાં આવે તો મોટો ફાયદો છે. કારણ કે, તેના એક્ચ્યૂઅલ યુઝર્સ તે લોકો છે. આથી તેમને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ પણ શિહોરમાં આપવા માગ મૂકી છે.