ભાવનગર : ભાવનગર તાલુકાના કેટલાક ગામડાઓ ભાલ પંથકના કહેવાય છે, પરંતુ આ વિસ્તારમાં નીકળતી નદીઓનું દરિયા સાથે ભાવનગર જિલ્લામાં મિલન થાય છે. પરંતુ કાળુભાર અને ઘેલો નદીમાં આવતા ભારે પાણીના કારણે મોટાભાગના ગામડાઓ બેટમાં ફેરવાય છે.આ સમસ્યા વર્ષોથી છે. પરંતુ તેમાં વધારો પાળા બનાવવાને પગલે કારણે થઇને થોડાક વરસાદમાં પાણી ખેતરોમાં પ્રસરી રહ્યા છે.
ભાલમાં ભાણગઢ હાલમાં સંપર્ક વિહોણું :ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું છેલ્લું ગામ ભાણગઢ કાળુભાર નદી કાંઠે આવેલું છે.પરંતુ હાલમાં ઉપરવાસના ભારે વરસાદને પગલે કાળુભાર નદી બે કાંઠે વહેતી થતા નદી પરનો કોઝવે પુલ તૂટી ગયો હતો. જેથી એક તરફનો સંપર્ક બંધ થયો જ્યારે બીજી તરફના માર્ગમાં ઢીંચણ સુધી પાણી ભરાય ગયા હતા. લોકો પાણીમાં વાહનો ચલાવીને ગામમાં પહોંચતા નજરે પડ્યા હતા. ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાને પગલે ખેડૂતોને ચિંતા વધી ગઈ હતી. લાઈનમાં રહેલા ખેતરો તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં હતાં.
ભાણગઢ ગામે બનાવેલો કોઝવે સિમેન્ટના પાઇપ મૂકીને બનાવવામાં આવ્યો હતો. જેના પગલે પાણી ઉપરથી વહેતુ થયું હતું.પાઇપમાં કચરો ભરાઈ જવાના કારણે પાણી ગામમાં ઘુસ્યા અને ખેતરોમાં પણ ઘુસ્યા હતા.આ સાથે પાણીનો પ્રવાહ હોવાથી આગળ બનાવેલા પાળાને કારણે પાણીને જવાનો માર્ગ સાંકડો થવાથી ખેતરોમાં પાણી ઘૂસે છે. આસપાસના અનેક ગામડાઓ દ્વારા તંત્રને વારંવાર રજુઆત લેખિત અને મૌખિક કરાયેલી છે પરંતુ કશું થતું નથી. અમારા ગામમાં પીવાનું પાણી પણ આવતું નથી ટેન્કર લાવીને ચલાવવું પડે છે... જેન્તીભાઈ ચૂડાસમા (સરપંચ ભાણગઢ)
ખેતરમાં પાણી ઘૂસવાને પગલે સરકારનું વળતર શું: ભાવનગર તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં જોઈએ તો જુના અને નવા રતનપર, દેવળીયા, સનેસ, માઢિયા નવા જુના, કાળાતળાવ, પાળીયાદ સવાઇકોટ, ખેતાખાટલી ગામો આવેલા છે. આ ગામોના ખેડૂતો દ્વારા કપાસનું મોટાપાયે વાવેતર થતું આવ્યું છે.
વરસાદના પાણી ખેતરોમાં ભરાવાને પગલે 2019/20 માં કૃષિ સહાય હેઠળ 109 ખેડૂતોને 11,66,288 ત્યાર બાદ 2020/21 માં કૃષિ સહાય હેઠળ 218 ખેડૂતોને 17,01,045 અને 2021/22 માં કૃષિ સહાય નીચે 99 ખેડૂતોને 10,02,465 જેવી રકમ સહાયની ચૂકવાઈ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં કોઈ ફરિયાદ નથી આવી. એ.એમ પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી)
આ ગામડાઓમાં પુલ અને રસ્તાઓને પગલે સ્થિતિ શું :ભાવનગરના ભાલપંથકના ગામડાઓમાં જોડાતા રસ્તાઓમાં મોટા ભાગના તૂટેલા જોવા મળે છે. રસ્તાઓ ખખડધજ હાલતમાં હોવા છતાં અને રજુઆત છતાં જિલ્લા પંચાયતના શાસકોના પેટનું પાણી હલતું નથી. માઢિયાથી વલભીપુર માર્ગ ખખડધજ છે જ્યારે પુલને લઈને જોઈએ તો હાલમાં કાળુભાર નદી પર ભાણગઢનો કોઝવે તૂટી ગયો છે. આ કોઝવે 2022 માં જૂન માસમાં 21 લાખના ખર્ચે બન્યો હતો જે 2023ની જૂન પૂર્ણ થતાં ધોવાઈ ગયો છે.સરપંચે ત્યાં બ્રિજ બનાવવાની માંગ કરી છે પણ થતો નથી. દેવળીયા આંનદપર વચ્ચે પુલ મંજૂર થયો છે.
જે પુલ તૂટવાનો પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન હતો તે હલ થઈ ગયો છે. પણ આપે જે રીતે કીધું કોઈ પાળા બનાવેલા છે. તો મારા જવાબદાર તંત્રને કીધું છે તેઓ તપાસ કરશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે... આર. કે. મહેતા(કલેક્ટર)
કોંગ્રેસની પ્રતિક્રિયા:ભાવનગર જિલ્લાના હાલના ગામડાઓમાં પાણી ઘૂસી જવાનું સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લો જાણે છે. ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજભા ગોહિલે જણાવ્યું હતું કે અમે સરકારને અનેક રજૂઆત કરી છે અને જે રીતે આગળ પાળો બનાવવામાં આવ્યો છે તેને કારણે આ પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. પરંતુ ભાજપ હંમેશા લોકોનું વિચારતી નથી. તેને કારણે આ પરિસ્થિતિ છે.
આ પ્રકારની કોઈ રજૂઆત આવી નથી : ભાજપ જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ આર સી મકવાણાએ જણાવ્યું હતું કે હાલમાં અમારા પાર્ટીના ઘણા બધા આગેવાનો ભાલના ગામડાઓમાં છે. પરંતુ હજુ સુધી અમારી પાસે આ પ્રકારની કોઈ રજૂઆત આવી નથી. અમે અનેક સમસ્યાઓ સરકારમાં મૂકીને લોકોના પ્રશ્નો હલ કર્યા છે. જો કે આ પાણી ભરાવાની સમસ્યામાં પણ રજૂઆત મળતા અને જાણકારી મળતા પણ ચોક્કસ નિરાકરણ કરવાની કોશિશ કરીશું.
- ભાલના ગામડાઓની સમસ્યા સરકારને દેખાણી, ચોમાસામાં બેટમાં ફેરવાતા 13 ગામડામાં પાણી સમસ્યાનો પ્રોજેકટ સરકારે મંગાવ્યો
- ભાવનગરના ભાલ વિસ્તારના ગામોમાં ભરાતા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ
- Bhavnagar Rain: ભાલ પંથકના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યાં, ભારે વરસાદ થાય તો વધી શકે છે સંકટ