રજવાડાની પહેલી ધજા ચડાવવાની પરંપરા ભાવનગર : ભગવાન ભોળાનાથના દર્શન માટે જ્યાં દરિયો પણ જગ્યા કરી આપે છે તેવા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લાખોની જનમેદની ભાદરવી અમાસ નિમિત્તે ઉમટી પડવાની છે. ભાવનગરના કોળીયાક નજીક દરિયામાં આવેલા નિષ્કલંક મહાદેવના શરણે પ્રથમ ભાવનગર રજવાડાની ધજા ચડે છે. આ ધજાની પૂજા ભાદરવી અમાસના એક દિવસ પૂર્વે રજવાડાના મહારાજા દ્વારા કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતીરજવાડાની ધજા ચડાવવાની પરંપરા આજે લોકશાહીમાં પણ ચાલી રહી છે.
નીલમબાગ પેલેસમાં ધજાની પૂજા : ભાવનગર શહેરમાં આવેલા નીલમબાગ પેલેસ ખાતે નિષ્કલંક મહાદેવની પ્રથમ ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે ધજાની પૂજા વિધિ કરવામાં આવી હતી. જો કે ધજાની પૂજન વિધિ કરાવીને ભગવાન નિષ્કલંક મહાદેવ સુધી પહોંચાડીને તેને ત્યાં સ્થાપવા સુધીની જવાબદારી છેલ્લા ઘણા વર્ષોથી ગોહિલવાડ રાજપૂત સમાજ તેમજ સરવૈયા પરિવાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ વર્ષની પણ ભાદરવી અમાસ નિમિત્તે રજવાડાની પ્રથમ ધજાની પૂજન વિધિ નીલમબાગ પેલેસ ખાતે કરવામાં આવી હતી. જેમાં સરવૈયા પરિવારના દરેક આગેવાન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
ભાદરવી અમાસના પ્રસંગે દર વર્ષે જે રીતે નિષ્કલંક દાદાને ધજા ચડે છે. તે રીતે આ વર્ષે પણ સરવૈયા ભાઈઓ આવ્યા છે અને ધજાની પૂજા વિધિ થઈ છે, ત્યારે ભગવાન નિષ્કલંક દાદા ભાવનગર નહીં પરંતુ સમગ્ર ભારતમાં સૌને સુખી રાખે તેવી પ્રાર્થના...વિજયરાજસિંહજી રાઓલ (મહારાજા, ભાવનગર સ્ટેટ )
126 વર્ષથી ચાલી આવતી પરંપરા : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળીયાક ગામ નજીક દરિયામાં અડધો કિલોમીટર ભગવાન નિષ્કલંક મહાદેવ સ્થાપિત છે. ત્યારે નિષ્કલંક મહાદેવને ભાદરવી અમાસ નિમિત્તે પ્રથમ ધજા ભાવનગર રજવાડું અર્પણ કરે છે. આજે ધજાનુ પ્રતિનિધિત્વ ગોહિલવાડ રાજપૂત સમાજ અને સરવૈયા પરિવાર દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 126 વર્ષથી ભાવનગર રજવાડા દ્વારા આ પરંપરા યથાવત રાખવામાં આવી છે. આજના લોકશાહીના સમયમાં પણ રજવાડા દ્વારા ધજા પૂજન વિધિ ભાદરવી અમાસના એક દિવસ પૂર્વે કરાઇ છે તેમ ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું. ત્યારે આ પરંપરા અવિરત ચાલતી રહે તેવી અપેક્ષા પણ સૌ કોઈ રાખી રહ્યા છે.
નિષ્કંલક મહાદેવ દર્શને લાખોની મેદની ઉમટશે પાંડવો સાથે જોડાયેલો નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ :ભાવનગર જિલ્લાના કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ ખાતે એક નહીં, પરંતુ પાંચ જેટલા શિવલિંગ છે. જ્યારે પૌરાણિક કથા પ્રમાણે જોઈએ તો પાંડવો જ્યારે પોતાનું હાડ ગાળવા માટે હિમાલય જવા માટે નીકળ્યા હતાં, ત્યારે ભાવનગરના કોળીયાક નજીક નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી હતી. લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે પાંડવો પોતાના પાપ ધોવા માટે નીકળ્યા ત્યારે તેમના પાપો સંપૂર્ણ ધોવાઈ ગયા ત્યારે તેમના હાથમાં રહેલી કાળી ધજા સફેદ થઈ ગઈ હતી. આથી નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાન કરવામાં આવે ત્યારે દરેક વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે.
લાખોની સંખ્યામાં દર્શને આવે છે લોકો :નિષ્કલંક મહાદેવના શરણમાં ભાદરવી અમાસના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દેશમાંથી ઉમટી પડે છે. કહેવાય છે ત્યાં સુધી ત્રણથી પાંચ લાખ લોકો સવારથી સાંજ સુધીમાં દર્શને પહોંચે છે. બે કિલોમીટર સુધીનો માર્ગ વાહનો માટે પોલીસ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવે છે. આમ ભાદરવી અમાસનું અનેરૂ મહત્વ સમગ્ર દેશમાં રહેલું છે. જો કે ત્યાં અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો દર્શને પહોંચે છે. નિષ્કલંક મહાદેવના દર્શન દરિયામાં ઓટ હોય ત્યારે થાય છે. ભરતી શરૂ થતા જ સમગ્ર નિષ્કલંક મહાદેવ પાણીમાં ગરકાવ થઈ જાય છે.
- ભાદરવી અમાસ 2022 નિમિત્તે કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિરે ઉમટ્યાં ભક્તો, ભાવનગરના રાજવી પરિવારની ધજા ચડતાં દર્શનનો પ્રારંભ
- ભાદરવી અમાસે 125મી વિશાળ ધજાની યુવરાજના હસ્તે કરાઈ શાસ્ત્રોક્ત વિધિ કરી કર્યું પૂજન
- કોળિયાકના દરિયે પાંચ પાંડવ સ્થાપિત નિષ્કલંક મહાદેવનો શું છે પ્રાચીન ઇતિહાસ