ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાને ભોળી પ્રજા પાસેથી ખિસ્સા કેમ ખાલી કરવા તેની યોજનાઓ બનાવી હોય તેવું પ્રાથમિક રીતે દર્શાઇ રહ્યું છે. શહેરમાં પ્રથમ ટેમ્પલ બેલ ઘરે ઘરેથી કચરો ઉપાડતું હતું અને મફત સેવા આપતું હતું. પરંતુ બેત્રણ વર્ષ બાદ મહાનગરપાલિકાએ હવે તેની કિંમત ટેક્સ સ્વરૂપે લેવાની શરૂઆત કરી છે. એવી દશા થઈ છે કે દસ દસ દિવસ સુધી કચરો લેવા નહીં આવતા ગૃહિણીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે કોમર્શિયલ ક્ષેત્રે ઉપરની મલાઈ માગવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે જાહેરમાં કચરો નાખવાથી મહાનગરપાલિકા એક તરફ દંડ આપી રહી છે તેવામાં જાય તો કહા જાય જેવી સ્થિતિ સર્જાય છે.
મફતની સેવા આપીને થોડા વર્ષમાં ઝીંકયો ટેક્સ : ભાવનગર મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોએ બે ત્રણ વર્ષ પહેલા ઘરે ઘરેથી ટેમ્પલ બેલ દ્વારા કચરો ઉઠાવવાની પહેલ હાથ ધરવામાં આવી. શરૂઆતમાં સૌને આ પ્રથા સારી લાગી અને શહેરમાંથી જાહેરમાં કચરાના પોઇન્ટ ઉઠાવી લેવામાં આવ્યા. જો કે ધીરે ધીરે મહાનગરપાલિકાએ બે વર્ષ બાદ હવે 200 રૂપિયા અને કોમર્શિયલ ક્ષેત્રના વાર્ષિક 600 રૂપિયા ટેક્સ ઝીંકી દીધો છે. પૈસા લેવાની શરૂઆત થતાં જ ટેમ્પલ બેલની સુવિધામાં પણ ધાંધિયા જીકવાની શરૂઆત થઈ ગઈ છે. મફતમાં અપાયેલી સેવા હવે ક્યાંક પ્રજાજનોને ભારે પડી રહી છે.
10 દિવસ સુધી ટેમ્પલ બેલ આવતા નથી : ભાવનગર મહાનગરપાલિકામાં હાલમાં જ નવા મેયરની નિમણૂક થઈ છે. પરંતુ પૂર્વ મેયર કિર્તીબેન દાણીધારીયાનો વોર્ડ એટલે ચિત્રા ફુલસર વોર્ડમાં ટેમ્પલ બેલના ધાંધીયા નવા મેયર નિમાવાની સાથે શરૂઆત થઈ ગઈ છે. દેસાઈનગર વિસ્તારમાં ટેમ્પલ બેલના ધાંધિયાને લઈને ગૃહિણીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. શકુંતલાબેને જણાવ્યું હતું કે અમારે છેલ્લા 10 દિવસથી ટેમ્પલ બેલ વાળો કચરો લેવા આવતો નથી. 200 રૂપિયા જેવો ટેક્સ પણ અમે આપવાની શરૂઆત કરી દીધી છે. જો કચરો લેવામાં ન આવે તો શું અમારા ઘરને અમારે કચરાપેટી બનાવી. આ જવાબદારી મહાનગરપાલિકાની છે. દેસાઈનગરના ગાયત્રીનગરમાં રહેતા છાયાબેને જણાવ્યું હતું કે અમારે કચરાનો પ્રોબ્લેમ દિવાળી પહેલાંનો છે. અનિયમિત રહે છે. આવતા નથી આગળ પાછળ સોસાયટીમાં ઘરે ઘરે જઈને બોલાવે છે અમે દિવાળીની બોણી પણ કરાવી હતી. અમારે ઘરમાં કચરાના ઢગ પડ્યા હોય તેની વ્યવસ્થા શું કરવી?
કોમર્શિયલ ક્ષેત્ર ઉપરની મલાઈનો આક્ષેપ :ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ગાયત્રી સોસાયટી, ગુરુનગર, કૃષિરાજનગર, સ્વામિનારાયણ નગર વગેરે જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્યારે રસ્તા ઉપર આવેલા કોમર્શિયલ ક્ષેત્રમાં પણ કચરાને લઈને ઉપરની મલાઈ માંગવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. શોરૂમમાં ફરજ બજાવતા જયેશ શર્માએ જણાવ્યું હતું કે ના એવી કોઈ ગાડી આવતી નથી. એક ગાડી આવે છે તેને દર મહિને 500 રૂપિયા આપીએ છીએ. કઈ ગાડી છે મને કઈ આઈડિયા નથી. દર મહિને 500 લઈ જાય છે. પૈસા ના આપો તો નહીં રોકાતા. મહાનગરપાલિકાના 600 ટેક્સ ઉપરના 500 આપીએ છીએ.