ભાવનગરઃસામાન્ય જનતા પાસે પોતાનું ઘરનું ઘર હોય તે માટે સરકાર સસ્તા દરે આવાસ યોજનાના મકાનો પૂરા પાડે છે, પરંતુ આવા આવાસોમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ ભાવનગરની તો, અહીં પ્રધાનમંત્રી આવાસમાં કમિશનરને મળેલી અરજીઓ બાદ કાર્યવાહી કરીને સમય આપવામાં આવ્યો હતો. સમય પૂર્ણ થતાં મકાન ખાલી નહીં થવાથી મહાનગરપાલિકાએ તાત્કાલિક 2 દિવસમાં 194 મકાનો ખાલી કરાવ્યા હતા. કમિશનરની કડકાઈ બાદ લેવાયેલા પગલા પછી બાદ વિપક્ષે પ્રહાર કરીને SITની માગ કરી છે તો શાસક છેદ ઉડાડી રહ્યો છે.
વિપક્ષે કરી SIT તપાસની માગઃભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસનો રાષ્ટ્રપતિના હસ્તે પ્રારંભ કર્યા બાદ લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા. આવસોમાં રહેવા ગયેલા લાભાર્થીઓમાં મહાનગરપાલિકાએ હવે લાંબા સમય બાદ ભાડે આપેલા મકાનો શોધીને નોટિસો પાઠવી બાદમાં મકાન ખાલી કરાવ્યા છે. સાચો કહેવાતો એવો લાભાર્થી આજે પણ ભાડે રહે છે. ત્યારે ભાડે આપનારા લાભાર્થીઓ છે ખરા? આ સવાલ હવે વિપક્ષે ઉઠાવીને પ્રધાનમંત્રી આવાસમાં રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો આક્ષેપ કરી SIT તપાસની માગ કરી દીધી છે.
ભાવનગરમાં કુલ આવાસો અને આપેલી નોટિસોની સંખ્યાઃશહેરમાં અલગઅલગ સ્થળો ઉપર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસો બનાવવામાં આવ્યા છે. સૂભાષનગર એરપોર્ટ રોડ નજીક બનાવેલા પ્રધાનમંત્રી આવાસ EWSના FP 1ના 1,088 આવાસમાં મહાનગરપાલિકાએ કરેલા સરવેમાં 271 ભાડે આપેલા મકાનો હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ 7 વર્ષ સુધી ભાડે કે વેચાણ થઈ શકતું નથી. જ્યારે અન્ય મિલકત ધરાવનારાને પણ આવાસનું મકાન મળી શકતું નથી. ત્યારે અન્ય મિલકત હોવા છતાં આવાસ મેળવવામાં સફળ રહેલા લોકો આવાસો ભાડે આપતા મહાનગરપાલિકાએ 271 આવાસના લાભાર્થીને ખાલી કરાવવા સામાન્ય નોટિસો આપી બાદમાં અંતિમ નોટિસ પાઠવી હતી.
મકાનો ખાલી કરાવવા પડ્યાઃ રૂવા પાસે પ્રધાનમંત્રી આવાસો હોવાથી જેતે સમયે સરકારની માર્ગદર્શિકા મુજબ નિયમ પ્રમાણે ફાળવણી કરી હતી, પરંતુ બાદમાં કેટલીક અરજીઓ મળી હોય કે મકાનો ભાડે આપેલા છે. તેને પગલે સરવે કરતા 271 મકાનો સામે આવ્યા હતા. આ 271ને એક મહિના અગાઉ નોટિસ આપી હતીસ પણ ક્યાંક લાભાર્થીઓને એવું હશે કે, ભલામણો કરાવીને બચી જશું તો એવું નથી. એમને મકાનો ખાલી કરાવ્યા છે. આ પહેલી વખત છે એટલે કદાચ માફ કરવા કે કેમ તે જોઈશું. પોલીસ ફરિયાદ કરવાની થશે તો પણ કરાવીશું. આપણે માનવતા દાખવીને એક મહિલાને રહેવા દીધી છે. તેમના પતિ છોડીને ચાલ્યા ગયા છે અને 4 માસની દીકરી છે આમ આપણે પણ માનવતા દાખવી છે.
અંતિમ નોટિસ બાદ ગરીબ ભાડૂઆતો રઝળ્યાઃભાવનગર સૂભાષનગર 1088 આવાસમાં અંતિમ નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરી છે. અંતિમ નોટિસને અવગણવામાં આવતા મહાનગરપાલિકાના બિલ્ડીંગ વિભાગનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. પ્રથમ દિવસે 85 મકાનો સીલ કરવામાં આવ્યા અને બીજા દિવસે 109 મકાનોને સીલ કરવામાં આવ્યા હતા. આના કારણે ભાડે રહેતા લોકોને ઘરના રસોડાનો સામાન, શેટ્ટી, પલંગ, વાસણ, કબાટ સહિતની તમામ ઘરવકરી બહાર કાઢી લેવામાં આવી હતી. તો કલાકમાં આશિયાના ગરીબ ભાડૂઆતોનું ખેરવિખેર થઈ ગયું હતું. મહિલાઓ નાના બાળકો સાચવવા કે સામાન બહાર કાઢવો વચ્ચે ગડમથલમાં વિચારવિહીન બની ગઈ હતી. કોઈની આંખમાં આંસુ બંધ નહતા થતા. 85 અને બીજા દિવસે 109 પરિવારને તાત્કાલિક કયું ઘર પ્રાપ્ત થવાનું આ વિચાર અને સામાન સાથે ક્યાં જવું? એ પ્રશ્ને ગરીબ ભાડૂઆતને મૂંઝવણમાં મૂકી દીધા હતા.