ભાવનગર : આધારકાર્ડ ધારકોને લાલચ આપીને જાણ બહાર તેમના મોબાઈલ નંબર બદલી બોગસ પેઢી બનાવતા શખ્સોને ખુલતા નામ વચ્ચે GST એ વધુ એક ફરિયાદ નોંધાવી છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જ બીજી ફરિયાદ નોંધાતા બોગસ બીલિંગ કેસમાં આરોપીઓની કતાર લાગી રહી છે, ત્યારે 8 પેઢી કઈ અને કોણ સંડોવાયેલા જાણો.
GST વિભાગે ફરી નોંધાવી ફરિયાદ :ભાવનગર શહેરના બહુમાળી ભવનમાં આવેલી રાજ્ય વેરા નિરીક્ષક અન્વેક્ષણ વિભાગ 9 કચેરીના અધિકારી અખિલ પંડ્યા દ્વારા શહેરના વડવામાં સીદીના તકીયા પાસે આવેલી આલ્ફા એકાઉન્ટન્સીમાં દરોડામાં બોગસ બીલિંગ મામલે બાતમીના આધારે બિલ બનાવતો શખ્સ મળી આવ્યો હતો. બોગસ બીલિંગ પગલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં GST વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.
શું મળી આવ્યું GSTને :આલ્ફા એકાઉન્ટન્સીમાં દરોડા દરમિયાન GST વિભાગને કુરેશી મહંમદ ઝૈદ અબ્દુલસમદ મળી આવ્યો હતો. GSTની તપાસમાં કુરેશી મહંમદ પાસેથી એક લેપટોપ અને 2 મોબાઈલ મળી આવ્યા હતા. લેપટોપમાં 8 પેઢીના બિલો બનાવતો હોવાનું કુરેશીએ GSTને જણાવ્યું હતું. જોકે તે એક પણ પેઢીના માલિકને ઓળખતો નહોતો. ત્યારે આ બિલો તેને શિશુવિહારમાં રહેતા શખ્સોએ આપેલા મોબાઈલના આધારે વોટ્સએપમાં આવતા પેઢીના નામો પ્રમાણે પેઢીના બિલો અને ઇ વેબીલ પણ બનાવતો હતો. GSTએ બાદમાં નિલમબાગ પોલીસને મુદ્દામાલ સાથે બોગસ બીલિંગ પગલે ફરિયાદ નોંધાવી છે. જેમાં કુરેશી મહંમદ ઝૈદ અબ્દુલ સમદ , અનિક પાંચા, સમીર પાંચા અને અમીન પાંચા સામે ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં GSTએ નોંધાવી છે.
કઈ પેઢીના બિલો બનાવતા હતા :GSTએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં કુરેશી મહંમદે 8 પેઢીના બિલ બનાવતો હોવાનું જણાવ્યું છે જેમાં ચેસ્ટા એન્ટરપ્રાઇઝ, જે.ડી. એન્ટરપ્રાઇઝ, મહાદેવ એન્ટરપ્રાઇઝ, પારસ એન્ટરપ્રાઇઝ, શ્રી રામ એન્ટરપ્રાઇઝ, વિનાયક એન્ટરપ્રાઇઝ, વિશ્વા એન્ટરપ્રાઇઝ અને વી.કે. એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.