ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News: ભાવનગરનો નિર્માણાધીન ફ્લાય ઓવર 'સગવડ' કે 'સમસ્યા' ???

ભાવનગરમાં બની રહેલ ફ્લાય ઓવર બસ બની જ રહ્યો છે, પૂરો થવાનું નામ લેતો નથી. સ્થાનિકોને આ નિર્માણાધીન ફ્લાય ઓવરથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સમસ્યાનું નિરાકરણ સત્વરે આવે તેવી રહીશો માંગણી કરી રહ્યા છે. Bhavnagar Fly Over Under Construction 3 Years

3 વાર સમય મર્યાદા વધારી હોવા છતાં ફ્લાય ઓવરનું કામ બાકી
3 વાર સમય મર્યાદા વધારી હોવા છતાં ફ્લાય ઓવરનું કામ બાકી

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 8:42 PM IST

ભાવનગરમાં નિર્માણાધીન ફ્લાય ઓવરથી હાલાકી

ભાવનગરઃ કોઈપણ શહેરમાં ફ્લાય ઓવર નાગરિકોની સુખાકારી માટે બનાવવામાં આવે છે. ભાવનગર શહેરને મળેલ એક માત્ર ફ્લાય ઓવર નાગરિકોની સુખાકારી કે સગવડ બનવાને બદલે સમસ્યા બની રહ્યો છે. આ ફ્લાય ઓવરનું નિર્માણ સતત 3 વર્ષથી ચાલી રહ્યું છે. વળાંક લેવામાં અને પિક અવર્સમાં ટ્રાફિક જામથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બ્રિજ પૂર્ણ થવાની સમય મર્યાદા 3-3 વખત વધારવામાં આવી છે. જો કે અત્યાર સુધી ફ્લાય ઓવરનું માત્ર 50 ટકા જ કામ પૂર્ણ થયું છે.

માત્ર વળાંક લેવા અડધો કિમી દૂર જવું પડે છે

સમસ્યાનો સરવાળોઃ ભાવનગરમાં આ ફ્લાય ઓવર શહેરના પ્રવેશ દ્વાર પર 115 કરોડના ખર્ચે બની રહ્યો છે. આ ફ્લાય ઓવર 50 ટકા બન્યો છે જ્યારે બાકીનું 50 ટકા નિર્માણ કાર્ય સરકારી ફાઈલોમાં કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે અટવાઈ ગયું છે. નિર્માણાધીન ફ્લાય ઓવરને પરિણામે આ મુખ્ય માર્ગ જ સાંકડો બની ગયો છે. પિક અવર્સમાં અહીં સખત ટ્રાફિક જામ થાય છે. સ્થાનિકોના સમય અને ઈંધણનો બહુ વ્યય થાય છે. આ ઉપરાંત માત્ર વળાંક લેવો હોય તો પણ અડધો કિલોમીટર દૂર સુધીનો આંટો મારવો પડે છે. શાળા, ઓફિસ કે દવાખાના જેવા સ્થળોએ નાગરિકો સમયસર પહોંચી શકતા નથી. ત્રસ્ત નાગરિકો સરકાર, તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલીભગત હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. નાગરિકો હવે આ સમસ્યાથી કંટાળી ગયા છે અને આ ફ્લાય ઓવર ક્યારે પૂર્ણ થાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

અમારે ખાલી રસ્તો ક્રોસ કરવો હોય તો અડધો કિલોમીટર ફરીને જવું પડે છે. નિયત સમય મર્યાદામાં ફ્લાય ઓવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય નહિ તે તંત્ર અને ધારાસભ્યની બેદરકારી ગણાય કારણ કે તેઓ પ્રજા સામે જોતા નથી. મેં અનેક સિટીમાં ફ્લાય ઓવર બનતા જોયા છે. જે બારેક મહિના બાદ પૂરા થઈ જતાં હોય છે. અહીં તો ફ્લાય ઓવર પૂરો જ થતો નથી. ભાવનગર સાથે તંત્રની બેદરકારીને લીધે અન્યાય થઈ રહ્યો છે...કાળુ જાબુંચા(સામાજિક કાર્યકર, ભાવનગર)

છેલ્લા 3 વર્ષથી નાગરિકો ભોગવી રહ્યા છે હાલાકી

ચૂંટણી સમયે ચૂંટણીલક્ષી વાયદાઓ કરવામાં આવ્યા છે. 3 વખત સમય મર્યાદામાં વધારો કરવા છતાં કોન્ટ્રાક્ટર ફલાય ઓવરનું નિર્માણ કાર્ય પૂર્ણ ન કરે તે કોન્ટ્રાક્ટર અને સરકાર વચ્ચેની સાંઠગાંઠ દર્શાવે છે. હજૂ સુધી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને કોઈ નોટિસ આપવામાં આવી નથી. સ્થાનિકો આ અણઆવડત અને અણઘડ વહીવટથી પરેશાન થઈ રહ્યા છે...પ્રકાશ વાઘાણી(પ્રમુખ, ભાવનગર શહેર કૉંગ્રેસ)

ફલાય ઓવરની ડિઝાઈનમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યા નથી. તેમજ કોઈ અણ આવડત પણ નથી. અમુક ડિઝાઈન ક્રિટિકલ હોય છે જેનો સામાન્ય લોકોને ખ્યાલ આવે નહીં. માર્ગ અને મકાન વિભાગમાંથી જ્યાં ટર્ન આવે છે તેની ડિઝાઈનની મંજૂરી માંગવામાં આવી છે. તેટલા પૂરતું જ કામ અટક્યું છે...એન.વી. ઉપાધ્યાય(કમિશ્નર, ભાવનગર મહા નગર પાલિકા)

  1. Bhavnagar News : ભાવનગરમાં ફ્લાય ઓવર પગલે કોંગ્રેસે હવન કરીને વિરોધ કર્યો, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી
  2. સુરતમાં કતારગામ ફ્લાય ઓવર બ્રિજ AAP દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો

ABOUT THE AUTHOR

...view details