408 જેટલી વિદેશી દારૂની બોટલો મળી ભાવનગર :ભાવનગર શહેરમાં દારૂ વેચનારા લોકો પોલીસ દ્વારા ઝડપવામાં આવતાં હોય છે. પરંતુ હવે તો દારૂની હેરાફેરીમાં મહિલાઓ લાગી ગઈ હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાવનગરના ગંગાજળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી. પોલીસે ધોરણસર બંને મહિલાઓને ઝડપીને પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીને પગલે ક્યાંથી પકડાઈ મહિલાઓ :ભાવનગર શહેરમાં દારૂને લઈને પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય છે, ત્યારે ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન દ્વારા સાંજના સમયે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મળેલી બાતમીને પગલે પોલીસે ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં સંગમ ટોકીઝવાળા ખાચામાં આવેલા રેલવે ફાટક પાસે બે મહિલાઓ દારૂ લઈને આવી હોવાને પગલે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી. મળેલી બાતમી પ્રમાણે પોલીસને બે મહિલાઓ મળી આવી હતી. જો કે તેના સામાનની ચકાસણી કરતા મસ મોટો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. તેને પગલે પોલીસે ધોરણસર ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કેટલો દારૂ અને શેમાં લવાયો દારૂ : ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગીરવાનસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે સ્ટાફના માણસો સાથે તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખારગેટ પાસેના સંગમ ટોકીઝવાળા ખાંચામાં રેલવે ફાટક પાસે બે મહિલાઓ ચાર સૂટકેસમાં વિદેશી દારૂ લાવી હોવાની બાતમી મળી હતી. તેને પગલે સ્થળ ઉપર જતા મળેલી બાતમી પ્રમાણે કાળો અને સફેદ ડિઝાઇનવાળો પંજાબી ડ્રેસ પહેરેલી એક મહિલા અને બીજી મહિલા લાલ ડિઝાઇનવાળો પંજાબી ડ્રેસ પહેરેલી મળી આવી હતી. જેની પાસે ચાર સૂટકેસ હોઇ તેની ખોલીને તપાસ કરતા 180 એમએલડીની અલગ અલગ બ્રાન્ડની 408 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પંચની રૂબરૂમાં કાર્યવાહી કરીને ધોરણસર ફરિયાદ નોંધી બંનેની અટકાયત કરવામાં આવી હતી.
પકડાયેલી મહિલા એક ગુજરાતની તો બીજી અન્ય રાજ્યની : ભાવનગર ગંગાજળિયા પોલીસ દ્વારા બાતમીને આધારે સ્થળ ઉપર રેડ કરીને આ બંને મહિલાઓને ઝડપી દારૂ કબજે લીધો હતો. પોલીસે 408 બોટલ દારૂ જેની કિંમત 49,200 જેવી થવા જાય છે. પોલીસે પકડેલી બે મહિલાઓ પૈકી એક મહિલા રૂપાબેન પ્રકાશભાઈ પરમાર જાતે આડોળીયા 45 વર્ષીય અને ભાવનગરના આડોડિયાવાસમાં રહેતી હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારે બીજી મહિલા સોનલબેન મનહરભાઈ અભીયેકર જાતે આડોડિયા અને મહારાષ્ટ્રના અહમદનગરના રહેવાસી હોવાનું ખુલવા પામ્યું હતું. એક મહિલા પાસેથી મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો,તેને પગલે પોલીસને સમગ્ર મુદ્દામાલ 52,200 નો કબજે કરીને બંને મહિલાઓ વિરુદ્ધ આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
- Surat Crime : સુરતના ઓલપાડમાં બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રી-પેકિંગ કરેલો દારુ વેચવાનું ફરી એક નેટવર્ક પકડાયું
- Vadodara Crime : લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ ઝડપાયો, પોલીસને જોઇ છૂ થઇ ગયો ટેમ્પાચાલક