ભાવનગર: ભાવનગર શહેરમાં દલિત સમાજમાં થતા બનાવોને પગલે સમાજના આગેવાનો અને નેતાઓમાં રોષ છે, ત્યારે ભાવનગરના ફુલસરના 25 વારીયામાં રહેતા દલિત મહિલાના મૃત્યુને લઈને દલિત સમાજના આગેવાનો અને નેતાઓ સરકારની સામે અને સ્થાનિક તંત્ર સામે સવાલો ઊભા કરી રહ્યા છે. દલિત મહિલાના મૃત્યુને લઈને કેટલીક માંગો મુકવામાં આવેલી છે અને તેમના પરિવારને રક્ષા પુરી પાડવામાં આવે તેવી પણ માંગ કરાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પણ ચર્ચા થઈ હોવાનું સાંભળવા મળ્યું છે.
મૃતદેહ નહીં સ્વીકારે : ભાવનગર શહેરના ફુલસરના 25 વારીયામાં રહેતી દલિત મહિલા દુકાને ચીજવસ્તુ લેવા ગયા ત્યારે ચાર શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર તેમનું મોત થયું. દલિત મહિલાના મોતને લઈને પરિવારે આરોપીઓને ઝડપે નહીં ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જીદ પકડી લીધી છે. જો કે પોલીસે ગુનો નોંધી લીધા બાદ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી દીધું છે અને સ્થાનિક દલિત નેતાઓ મેદાનમાં આવી ગયા છે. ગીતાબેનના મૃત્યુને લઈને પોલીસને આરોપીને ઝડપથી પકડી લેવા દબાણ થઈ રહ્યું છે. ત્યારે ડીવાયએસપી આર. આર. સિંઘલેે માહિતી આપી હતી.
બોરતળાવ પોલીસ સ્ટેશનનો બનાવ છે, જેમાં વસ્તુ લેવા ગયેલા બેનને તે દરમિયાન આ કામના ચાર આરોપી રોહન અને શૈલેષ અને અન્ય બે શખ્સોએ ફરિયાદી બેનને લોખંડના પાઇપ અને હથિયાર ધારણ કરી બંને પગના અને હાથના ભાગે ઇજાઓ કરી હતી. ફરિયાદી બેનને સર ટી હોસ્પિટલમાં દાખલ કરેલા હતાં. આ બેન એક્સપાયર થઈ ગયા છે અને આરોપી પકડવા ત્રણ ટીમની રચના કરી છે. જુદા જુદા વિસ્તારમાં કોમ્બિંગ કરી આરોપી હસ્તગત કરવામાં આવશે...આર. આર. સિંઘલ ( ડીવાયએસપી )
ક્યારે શું બન્યું :ભાવનગર શહેરના ફુલસરમાં 25 વરિયામાં રહેતા દલિત મહિલા પાસે 26 તારીખના રોજ તેમના પતિએ દુકાનેથી બીડી મંગાવી હતી. જેને પગલે તેઓ દુકાને બીડી લેવા ગયા હતાં. ત્યારે પરત ફરતી વખતે તે જ વિસ્તારમાં રહેતા શૈલેષ ધનજીભાઈ કોળી, રોહન શંભુભાઈ કોળી અને અન્ય બે શખ્સોએ લોખંડના પાઇપ અને હથિયાર વડે દલિત મહિલા ઉપર હુમલો કર્યો હતો. જેથી તેમને પગ અને હાથના ભાગે ફેકચર થયું હતું. જો કે ત્યારબાદ તેમને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું છે.