ભાવનગરમાં 18મી મારિયન ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ ભાવનગરઃ શહેરની સેન્ટ મેરીઝ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા મારિયન ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ક્રિકેટ રમતા બાળકોની અનેક ટીમો આ ટૂર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. ખાસ કરીને અંડર 14ની ટીમોમાં બાળખેલાડીઓ અને તેમના વાલીઓમાં બહુ ઉત્સાહ જોવા મળે છે. અંડર 14માં પોતાનું બાળક રમતું થાય તો તે નાનપણથી જ ક્રિકેટમાં નિષ્ણાત બની શકે છે. આ કારણથી વાલીઓ પોતાના બાળકોને અંડર 14 ક્રિકેટનું કોચિંગ અપાવી રહ્યા છે.
રમત કરતાં ક્રિકેટ ધર્મ વધુ બની રહી છેઃ ક્રિકેટની અસર ભારતના દરેક ઘરે જોવા મળે છે. ક્રિકેટ પ્રત્યેની આ ઘેલછા ટી-20 અને આઈપીએલ બાદ વધી ગઈ છે. ભૂતકાળમાં ક્રિકેટ જોવા ટીવી સામે બેસી રહેતા બાળકો અને યુવાનોને ઠપકો આપતા માતા પિતાની માનસિકતા બદલાઈ છે. હવે માતા પિતા બાળક નાનપણથી જ ક્રિકેટમાં નિપૂણ બને તે માટે તેને કોચિંગ અપાવતા નજરે પડે છે. ભાવનગરમાં મોટી સંખ્યામાં બાળકો અંડર 14 ક્રિકેટનું કોચિંગ લઈ રહ્યા છે.
આ શાળા વતી જે ટૂર્નામેન્ટ રમાડવામાં આવે છે તે પ્રશંસનીય પ્રયાસ છે. મારુ બાળક અહીં 4 વર્ષથી ક્રિકેટની તાલીમ મેળવી રહ્યું છે. આઈપીએલ બાદ વાલીઓ બહુ સજાગ થયા છે. હવે વાલીઓ બાળકોને પ્રોત્સાહન આપીને ક્રિકેટની તાલીમ અપાવી રહ્યા છે...સંદીપ અર્ધ્વ્યુ(વાલી,ભાવનગર)
અમારી શાળા છેલ્લા 18 વર્ષથી મેરીયન ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના ક્રિકેટ રમતા બાળકોની ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં રમતા અનેક બાળકો આગળ જતા ખ્યાતનામ ખેલાડીઓ અને ખેલ શિક્ષક બન્યા છે, જેમાંથી અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટીમમાં સ્થાન પામ્યા છે...ફાધર જોવી(આચાર્ય, સેન્ટ મેરીઝ હાયર સેકન્ડરી સ્કૂલ , ભાવનગર)
આજે ક્રિકેટ રમત કરતા ધર્મ વધુ બની ગઈ છે. આઈપીએલ, ટી-20 અને વર્લ્ડ કપ બાદ તો વાલીઓમાં ઉત્સાહ વધી ગયો છે. ગલીઓ, ગામડા અને શહેરોમાં શ્રેષ્ઠ પ્લેયર્સની સંખ્યા વધતી જાય છે. આ શાળાની આ ટૂર્નામેન્ટમાં અંડર 14 ખેલાડીઓને ખૂબ સારી તક મળે છે...જીતુ પાટિલ(કોચ, કેપીએસ ક્રિકેટ ટીમ, ભાવનગર)
- સુરત ખાતે ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેની બોલાચાલી હવે સોશિયલ મીડિયા વોર બની
- જામનગરમાં અંડર-14 ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમાઈ, કચ્છ અને જામનગર વચ્ચે યોજાયો મુકાબલો