ભાવનગર : સમગ્ર રાજ્યમાં આધારકાર્ડ ધારકોને લાલચ આપીને તેમના મોબાઈલ નંબર બદલી બોગસ પેઢીઓ બનાવીને સરકાર સાથે ઉચાપત મામલે બે ફરિયાદ બાદ SITની રચના કરાય છે. ત્યારે રાજ્યના DGPએ SITની રચના બાદ ટીમે વધુ બે શખ્સોને ઝડપી લીધા છે. SITની રચના બાદ બોગસ પેઢી બનાવી બોગસ બીલિંગ કેસોમાં આરોપીઓની લંગર લાગવાની શક્યતાઓ પ્રાથમિક દેખાય છે.
શું છે સમગ્ર મામલો : ભાવનગરના પાલીતાણામાં પહેલી નોંધાયેલી ફરિયાદ બાદ બોગસ બીલિંગ કૌભાંડ સામે આવ્યું હતું. જોકે, બીજી ફરિયાદ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. આધારકાર્ડ ધારકોને અંધારામાં રાખીને તેમના આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલી બોગસ પેઢી બનાવવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના ડીજીપીએ આધારકાર્ડ મામલે SITની રચના કરીને તપાસ સોપતા વધુ બે શખ્સો ઝડપાયા છે.
પહેલી અને બીજી ફરિયાદ અને કલમો :ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સૌપ્રથમ બોગસ બીલીંગ મામલે બોગસ પેઢીઓ બનતી હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં 406,420, 465, 467, 468, 471 અને 34 મુજબ ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર IG કક્ષાએથી તપાસ શરૂ થઈ હતી. ભાવનગર સાયબર સેલને તપાસ સોંપતા હાલ સુધીમાં 11 જેટલા શખ્સો બોગસ પેઢી બનાવીને સરકાર સાથે ઉચાપત કરતા હોય લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું હતું. જોકે એ જ રીતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાતા ત્રણ શખ્સો ઝડપાઈ ગયા હતા. પાલીતાણામાં પ્રથમ ફરિયાદ જાગૃત નાગરિકે નોંધાવ્યા બાદ કૌભાંડ ખુલવાની શરૂઆત થઈ હતી.
કઈ રીતે આધારકાર્ડ ધારકોને લૂંટતા હતા :ભાવનગરમાં પકડાયેલા આરોપીઓ આધારકાર્ડ ધારકોને 1,000ની લાલચ આપીને આધારકાર્ડ સેન્ટર સુધી લાવવામાં આવતા હતા. જ્યાં આધારકાર્ડ ધારકને અંધારામાં રાખીને મોબાઈલ નંબર બદલી લેવામાં આવતો હતો. આધારકાર્ડના ધારકોને તેના બદલામાં 1000 જેવી કિંમત આપવામાં આવતી હતી. જોકે આ સરકારી યોજના હોવાનું જણાવીને બોગસ પેઢી આરોપીઓ બનાવતા હતા. અશિક્ષિત અને પૈસાની જરૂરિયાત વાળા આધારકાર્ડ ધારકોને નિશાન બનાવીને છેતરતા હતા.