ભાવનગરઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભાવનગર જિલ્લામાં આવેલા સિહોર એટલે સૌરાષ્ટ્રનું છોટેકાશી. આ છોટેકાશીમાં આદીઅનાદી કાળનો અર્વાચીન ઈતિહાસ એટલે ગોહિલવાડનું ગૌરવ નવનાથના બેસણા ઋષિઓની તપસ્થળી એટલે સિહોર સદીઓ પૂર્વે રચાયેલો બ્રાહ્મણોનો ઈતિહાસ અને બ્રાહ્મણોની શૌર્યગાથા આજે પણ લોક મુખે ગવાય છે. એવાં આ સિહોર એટલે કે સિંહપુર નગરીમાં એક નિવૃત્ત શિક્ષક જે જીવન ચર્યાના પથ પર 8 દાયકાઓ પૂર્ણ કરી દિન દુ:ખીયાની સેવા કાજે આજે પણ ખડેધડે છે.
રામજીભાઈ કરશનભાઈ મકવાણા આ દાદાની વર્તમાન સમયે વય 83 વર્ષની છે. યુવાવયે એક શિક્ષક તરીકે સેવા અર્પણ કરી સમાજનું ઋણ અદા કર્યું હતું. જે બાદ પણ પવિત્ર આત્માના અંતર મનમાં સેવાનો ભાવ અકબંધ રહેતાં અનોખી સેવાનો ખાસ યજ્ઞ આગળ ધપાવી આજે એક ઝળહળતી જ્યોત સ્વરૂપે તેજોમય બનાવી છે. બાલ્યાવસ્થામાં માવતર પાસેથી પ્રાપ્ત સંસ્કાર યુવાવયે ગીતાનું ગહન જ્ઞાન અને પોતાની આજીવન જીવનચર્યામાં વણી લઈને સુંદર પથ પ્રસ્થાપિત કર્યો છે.
ભાવનગરનું સિહોર ગામ વર્તમાન ભાવેણાની પૂર્વ રાજધાની તથા શૂરવીરોની પાવન ભૂમિ અહીં અખિલ બ્રહ્માંડના નવનાથ આજે પણ ઉઝળા ઈતિહાસની ગવાહી પૂરે છે. એવી સિંહપુર નગરીમાં 83 વર્ષના વયોવૃદ્ધ માનવી છેલ્લા 40 વર્ષથી જીવ સેવાનો પ્રેરણાદાયી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે, તો આવો જાણીએ પરસેવા અર્થે જીવન સમર્પિત કરનારા આ ઓલીયા વિશે...
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપરડી ગામે એક ગરીબ પરિવારમાં જન્મેલા રામજીભાઈ કરશનભાઇ મકવાણાએ બાલ્યાવસ્થામાં ભારે સંઘર્ષ કરી પગભર બન્યા ભણતર સાથે વારસાઈમા જીવન જીવવાની કોઠાસૂઝ તથા માતા-પિતા દ્વારા ઊંડા આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન પણ થયું રામજીભાઈએ શ્રીમદ ભગવત ગીતાના આદર્શને જીવનમાં ઉતાર્યા હતા. પરમાર્થ કાજે જીવન વ્યતિત કરવાની નેમ લીધી હતી. એક સફળ શિક્ષક તરીકેની નોકરી પુરી કરી સમાજમાં વસતા નિરાધાર ત્યકતા અને વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે વૃદ્ધાશ્રમ બનાવવાની તેઓની અદમ્ય ઈચ્છા હતી, પરંતુ પૈસાની કમીએ તેમનું સ્વપ્ન અધુરું રહ્યું હતું.