ભાવનગર:આધુનિક યુગમાં વધતી જતી બહારની ખાણીપીણી અને રોજ-બરોજ લેવામાં આવતી ચીજ વસ્તુઓ કેમિકલ યુક્ત હોય છે. વાત અહીંયા મનુષ્યને શરીરની શોભા વધારતા વાળની કરવાની છે. દૂધધારા એટલે માથા ઉપર દૂધની ધારા કરવામાં આવે છે. જેનાથી ઘણા એવા ફાયદાઓ શારીરિક રીતે જોવા મળે છે. જોકે દૂધધારા એ આયુર્વેદ ઉપચાર પદ્ધતિનો એક ભાગ છે.
દૂધધારા એટલે શું?:ભાવનગર શહેરમાં આયુર્વેદિક ડોક્ટર માધવીબેન પટેલ પોતાનું ક્લિનિક ચલાવે છે. માધવીબેન પટેલે મૂર્ધતેલ અંતર્ગત આવતી ચાર ઉપચાર પદ્ધતિ જેમાં દુધધારા, તક્રધારા, શિરોધારા અને કવાટધારાની સારવાર આપે છે. ભાવનગર શહેરમાં દૂધધારા પણ કરી આપતા માધવીબેન પટેલે જણાવ્યું હતું કે, 'દૂધધારા માથા ઉપર કરવામાં આવે છે. વ્યક્તિને સુવડાવીને તેના કપાળના ભાગેથી માથાના વાળમાં દૂધ પહોંચે તેવી રીતે દૂધની ધારા કરાય છે. જો કે દૂધમાં કેટલાક ગુણો આવેલા છે. જેનું મહત્વ સૌ કોઈ સમજે છે ત્યારે માથામાં તેની દૂધધારા કરવાથી તેના પણ અનેક ગણા ફાયદા છે.'
દૂધધારાથી થતા ફાયદા:દૂધધારા એક આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ છે. ખાસ કરીને આ ઉપચાર પદ્ધતિ પાછળ અનેક ફાયદાઓ રહેલા છે. જોકે દૂધધારા મુદ્દે ડોક્ટર માધવીબેન પટેલે જણાવ્યું હતું કે, 'કોઈપણ વ્યક્તિને 25થી 30 મિનિટ સુધી માથામાં દૂધની ધારા કરવામાં આવે છે. 250 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીનું દૂધ લઈ તેની ધારા મસ્તક ઉપર કરાય છે. જેનાથી વાળ ખરતા નથી અને ચમક વધે છે. તેમજ વાળ ખરવાની જે લોકોને સમસ્યા હોય એ સમસ્યામાંથી છૂટકારો મળે છે. જોકે દૂધધારા એક વખત નહિ પણ વધુ વખત કરવી પડે છે. બીજો સૌથી મોટો ફાયદો કે માનસિક તાણ કે માનસિક ચિંતા અનુભવતા વ્યક્તિઓને પણ માનસિક શાંતિની અનુભૂતિ થાય છે. આમ દૂધધારાથી ઘણા ફાયદા રહેલા છે.'