- ભાવનગરમાં દર રવિવારે અમૃત ખેડૂત બજારનું આયોજન
- આ બજારમાં 21 સ્ટોલ ઊભા કરવામાં આવશે
- ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશો સરળતાથી વેચી શકશે
- સવારે 7થી 12 વાગ્યા સુધી બજાર ખૂલ્લું મુકાશે
ભાવનગરઃ પ્રાકૃતિક ખેત પેદાશના ઉત્પાદનનું સીધા વેચાણ અર્થે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરમાં અમૃત ખેડૂત બજાર શરૂ કરવામાં આવી છે. ભાવનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર રવિવારે આ બજારનું આયોજન કરવામાં આવે છે. અહીં તમામ ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેતપેદાશો સરળતાથી વેંચી શકશે.
શહેરીજનોને શુદ્ધ અને સાત્વિક આહાર મળે તે માટે બજારનું આયોજન
'અમૃત ખેડૂત બજાર'માં ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા લગભગ 134 ખેડૂતોની જુદી જુદી ખેતપેદાશો જેવી કે, અનાજ, કઠોળ, મરી-મસાલા, શાકભાજી, ફળ-ફળાદી, સિંગતેલ, દેશી ગોળ વગેરેનું જુદા જુદા 21 સ્ટોલ રાખવામાં આવ્યા છે. દર રવિવારે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી ખેડૂતો આ બજારમાં વેચાણ કરી શકશે. આ 'અમૃત ખેડૂત બજાર'ના કારણે ખેડૂતો સીધા જ પોતાના પાકનું વેચાણ શહેરીજનો સાથે કરી શકશે, જેના કારણે શહેરીજનોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહેશે.