ભાવનગર :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. વર્ષ 2019માં તેઓ મોદી અટક પર નિવેદન કરીને ફસાઈ ગયા હતા. ત્યારે તેમની સામે માનહાનીનો કેસ થયો હતો. જોકે, કોર્ટે તેમને સજા ફટકરાતા જણાવ્યું હતું કે, તેઓ સાંસદ સભ્ય છે એટલે તેમણે સંભાળીને બોલવું જોઈતું હતું.
સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા :વર્ષ 2019માં કર્ણાટકની એક રેલી દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેમની મુશ્કેલીઓ સતત વધી રહી હતી. તેમની સામે સુરતની કોર્ટમાં કેસ પણ ચાલતો હતો. ત્યારે આ મામલે સુનાવણી કરતા સુરતની કોર્ટે તેમને દોષી જાહેર કર્યા છે. સાથે જ 2 વર્ષની સજા ફટકારી છે.
પૂતળા દહન કરાયું :ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કાળાનાળા ચોકમાં અચાનક જ પૂતળા દહન કરવામાં આવ્યું હતું. સરકાર સામે વિરોધ વ્યક્ત કરતાં કાર્યક્રમમાં કોંગ્રેસે આશ્ચર્યજનક પુતળા દહન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જો કે આશ્ચર્યજનક કાર્યક્રમમાં પૂતળા દહન થતા પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. પોલીસે કોંગ્રેસી કાર્યકરોની બાદમાં અટકાયત કરવામાં આવી હતી. સંભળાવેલી સજાને લઈને ભાવનગર શહેર કોંગ્રેસમાં ઘેરા પડઘા પડ્યા છે.
કોંગ્રેસ પોતાનો રોષ ઠાલવ્યો :ભાવનગર શહેરમાં શહેર કોંગ્રેસ દ્વારા સુરતમાં રાહુલ ગાંધીને કોર્ટે સંભળાવેલી સજા બાદ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો.