- 2018થી 2021 સુધીમાં 29 સરપંચો સસ્પેન્ડ થયા
- વિવિધ કાયદાકીય તપાસ અને ગુનાઓમાં સપડાતા કરાયા હતા સસ્પેન્ડ
- જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ વિરુદ્ધ લેવાયા પગલા
ભાવનગર જિલ્લામાં 3 વર્ષમાં વિવિધ ગેરરિતીઓમાં સંકળાયેલા 29 સરપંચો સસ્પેન્ડ - bhavnagar news
ભાવનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષ દરમ્યાન જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા 29 જેટલા સરપંચોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી, નાણાંની ઉચાપત, લાંચ કેસો, ફોજદારી ગુનાઓ તેમજ પોતે દબાણ કરેલી જગ્યાઓનાં કેસોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાવનગર: જિલ્લાનાં ગામડાઓમાં સરકારની યોજનાઓ તેમજ વિકાસનાં કામોની સરળતા માટે ગ્રામ પંચાયતોમાં સરપંચની નિમણૂક કરવામાં આવતી હોય છે. જે ચૂંટાયેલી પાંખ દ્વારા ગ્રામ્ય કક્ષાએ વિકાસનાં કામો તેમજ ગામમાં જરૂરી માર્ગદર્શન પુરૂં પાડતા હોય છે. સરપંચો જયારે ગ્રામ પંચાયતમાં જોહુકમી ચલાવીને સરકારી યોજનાનાં લાભો જેવા કામોમાં ગેરરિતી, દબાણો તેમજ ફોજદારી કેસોમાં સંડોવણી સામે આવી હોય તેવા 29 જેટલા સરપંચોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
10 સરપંચોએ સરકારી જગ્યા પર દબાણ કર્યું હતું
આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન એટલે કે વર્ષ 2018થી લઈને વર્ષ 2021 સુધીમાં કુલ 29 ગ્રામ પંચાયતોનાં સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં 1 સરપંચ લાંચ લેતા, 8 સરપંચ વિરુદ્ધ ફોજદારી ગુનાઓ, 10 સરપંચોએ સરકારી જગ્યા પર દબાણ કર્યું હોવાથી અને 2 સરપંચોને વહીવટી અનિયમિતતા માટે તેમજ 8 સરપંચોને નાણાકીય ઉચાપત અને અનિયમિતતા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે