વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા અને અન્ય વ્યક્તિને મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. ગામના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગયેલી મહિલાઓ સાથે ભાજપ પ્રમુખે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.
વાલિયા ભાજપના પ્રમુખ અને અન્ય વ્યક્તિને મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વીડિયો વાયરલ
ભરૂચ: જિલ્લાના વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા અને અન્ય વ્યક્તિને મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ અંગે સુરતાબહેન વસાવા નામની મહિલાએ વાલિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદ અનુસાર ગામની મહિલાઓ ડેપ્યુટી સરપંચના ઘરે વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગઈ હતી. જ્યાં હાજર વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાએ અચાનક જ ઉશ્કેરાઈ જઈ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને મારામારી કરી હતી. જે બાદ મહિલાઓએ પણ ભાજપ પ્રમુખ તેમજ અન્ય વ્યક્તિને માર માર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ મામલે વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ સેવંતુ વસાવા સહીત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો આ તરફ કમલેશ વસાવાએ પણ વાલિયા પોલીસ મથકે 7 ઇસમો અને 40થી 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોધાવી છે.