ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની ગાંધીનગર પોલીસે કરી અટકાયત કરી હતી. જ્યારે 60થી વધુ કાર્યકરોને ભરૂચ પોલીસ દ્વારા જિલ્લામાં જ નજર કેદ કરાયા હતા.
સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો BTPએ વિરોધ કર્યો - ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા વિરોધ
ગાંધીનગર: રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTB) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સોમવારે ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની ગાંધીનગર પોલીસે કરી અટકાયત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ વિવિધ સરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારના રોજ બીટીપી દ્વારા ગાંધીનગરમાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે રેલી પૂર્વે જ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત કરી લીધી હતી. આ તરફ ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર, ઝઘડીયા વાલિયા અને નેત્રંગ પંથકમાંથી બીટીપીના 60થી વધુ કાર્યકરોને ગાંધીનગર જતા અટકાવવા જિલ્લામાં જ નજર કેદ કરાયા હતા.
ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, સરકારના આ નિર્ણયમાં કારણે ટ્રાયબલ વિસ્તારમાં આવેલ 4 હજાર શાળાઓ મર્જ થશે. જેના કારણે આદિવાસીઓનાં બાળકોને શિક્ષણ માટે વલખા મારવા પડશે. સરકાર આ નિર્ણય થકી આદિવાસીઓના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માગતી હોવાના પણ આક્ષેપ કરાયા છે.