- ચૂંટણી સુધી હવે મુખ્ય અધિકારી વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે
- છેલ્લી 2.5 વર્ષની ટર્મમાં નગરમાં એકેય આંખે ઉડીને વળગે તેવું કામ નહિ
- અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા મહિલા પ્રમુખે ચાર્જ છોડ્યો
ભરૂચઃ રાજ્યમાં કોરોના મહામારીના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાઈ છે અને તેના કારણે રાજ્યની મોટા ભાગની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થઇ ગઈ છે. અંકલેશ્વર નગર પાલિકામાં છેલ્લા અઢી વર્ષથી પ્રમુખ પદે દક્ષાબહેન શાહ બિરાજમાન હતા, તેઓની ટર્મ સોમવારના રોજ પૂર્ણ થઇ હતી. આ ઉપરાંત તમામ ચૂંટાયેલા સભ્યોની ટર્મ પણ પૂર્ણ થતા તેઓએ ચાર્જ છોડ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની વાત કરીએ તો છેલ્લા અઢી વર્ષમાં આંખે ઉડીને વળગે તેવા એક કે બે જ કામો છે, બાકી રોડ રસ્તાઓના કામોમાં જ આખી બોડી વ્યસ્ત હતી.
અંકલેશ્વરના પ્રાણ પ્રશ્નો ઠેરના ઠેર, સત્તા પક્ષ અને વિપક્ષ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં જ વ્યસ્ત રહ્યા
અંકલશ્વર નગરના પ્રાણ પ્રશ્નો કહી શકાય તેવા શાક માર્કેટનો પ્રશ્ન, ટ્રાફિકની સમસ્યા, મુખ્ય માર્ગો પહોળા કરવાનું આયોજન બધું ઠેરનું ઠેર જ રહ્યુ છે. અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ પહોળો કરવા માટેની માંગ વર્ષોથી છે. ઉપરાંત ચૌટા નાકા વિસ્તારમાં એક ફ્લાયઓવરની જરૂરીયાત છે, પરંતુ આવા મોટા પ્રશ્નો અંગે નગરપાલિકાએ ન તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તસ્દી લીધી છે. ના તો કોઈ આયોજન કર્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષ માત્ર એક બીજા ઉપર આક્ષેપ–પ્રતિઆક્ષેપ કરવામાં જ વ્યસ્ત રહ્યું હતું. નગરના વિકાસમાં મોર પીંછ ઉમેરાય તેવું એકેય પક્ષે કામ કર્યું હોય તેમ લાગી રહ્યું નથી.