ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ જુનો સરદાર બ્રીજ જર્જરિત થતા તેને વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ નજીક હાઈવે પર છેલ્લા 10 દિવસથી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારે કલેકટર કચેરી ખાતે કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં જીલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમા, નેશનલ હાઈવે ઓથોરીટીનાં અધિકારીઓ અને ધારાસભ્ય દુષ્યંત પટેલની તાકીદની બેઠક યોજાઈ હતી.
ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિને અંકુશમાં લેવા તંત્ર જાગ્યું - ભરૂચ ટ્રાફિકજામ
ભરૂચ: શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિને અંકુશમાં લેવા તંત્ર સફાળુ જાગ્યું છે. ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે કલેકટરની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરીટી અને જીલ્લા પોલીસ વડાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ હાજર રહ્યાં હતા.
જેમાં ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરવાના ઉપાયો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જુનો સરાર બ્રીજ બંધ રહેતા વાહનોને નવા સરદાર બ્રીજ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ હાઈવેના બિસ્માર માર્ગના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે. જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિ વધુ વિકટ બને છે.
આ માર્ગનું તાત્કાલિક અસરથી સમારકામ કરવાની સુચના આપવામાં આવી હતી. બીજીતરફ ઝાડેશ્વર મંદિર નજીક આવેલ ડાયવર્ઝન પણ ખુલ્લો કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. જો કે, જુના સરદાર બ્રિજનું સમારકામ થતા હજુ 45 દિવસનો સમયગાળો લાગી શકે છે. ત્યાં સુધી વાહન ચાલકોએ ટ્રાફિકજામ માટે તૈયાર રહેવું પડશે.