ભરૂચ જિલ્લાનો દક્ષિણ ઝોનમાં સમાવેશ થાય છે, ત્યારે દક્ષિણ ઝોન માટે પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા તો અન્ય એક મંત્રી કોશીક પટેલની નિરિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના પ્રમુખની પસંદગી માટે નિરિક્ષકો સુરતમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરશે. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ચાર દાવેદારો મેદાનમાં હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી અને ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલનાં નામની ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રમુખ યોગેશ મામાએ આ વખતે દાવેદારી જ ન નોધાવી હોવાનું પણ બહાર આવી રહ્યું છે. થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુૂંટણી આવી રહી છે.
ભરુચ જિલ્લાના ભાજપના પ્રમુખની પસંદગી માટે આવતીકાલે સુરતમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે
ભરૂચ: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનની સંરચનાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર પ્રમુખોની વરણી બાદ હવે જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિરિક્ષકોની નિમણુંક કરવામાં આવી રહી છે. આવતીકાલે ભરુચ જિલ્લાના ભાજપ પ્રમુખ માટે સેન્સની પ્રક્રિયા હાથ ઘરાશે.
ભાજપના પ્રમુખની પસંદગી માટે સુરતમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે
જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબુત બને અને વધારેમાં વધારે સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાયએ બાબતને ધ્યાનમાં રાખી નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખના મહત્વના પદ માટે દાવેદારો ગોડફાધરનાં શરણે પહોચી ગયા છે. ભરૂચ જિલ્લા ભાજપમાં બે જૂથ ચાલી રહ્યા છે. જે જગ જાહેર છે, ત્યારે ક્યા જૂથના દાવેદારને જિલ્લા ભાજપના પ્રમુખનું પદ મળે છે એ જોવું રહ્યું.