ભરૂચઃ જિલ્લામાં વસતા માછીમારો દ્વારા આજે બુધવારે દેવપોઢી એકાદશીના દિવસથી પવન સલીલામાં નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરી માછીમારીની સીઝનનો પ્રારંભ કર્યો હતો અને માછીમારોની આ સીઝન સારી જાય એવી કામના કરી હતી.
પાવન સલીલામાં નર્મદાને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, ત્યારે માછીમારો માટે પણ નર્મદા નદી જીવન નિર્વાહનું માધ્યમ છે. માછીમારો નર્મદા નદીમાં માછીમારી કરી ગુજરાન ચલાવતા હોય છે. આજે બુધવારે દેવપોઢી એકાદશીના શુભ દિવસે માછીમારીઓએ સીઝનનો પ્રારંભ કર્યો હતો. આ એકાદશી નિમિત્તે ધાર્મિક વાતાવરણમાં માછીમારોએ નર્મદા નદીમાં સવામણ દૂધનો અભિષેક કરી ભજન સત્સંગ સાથે મા નર્મદા મૈયાનું પૂજન કર્યું હતું.
દેવપોઢી એકાદશીના શુભ મૂહુર્તે માછીમારોએ સિઝનના શ્રી ગણેશ કર્યા ભરૂચના પૌરાણિક ભાડભૂત ખાતે નર્મદા નદીમાં આ વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા. માછીમારો આજથી ચાર મહિના નર્મદા નદીમાં માછીમારી અર્થે જશે, ત્યારે નર્મદા મા તેઓની રક્ષા કરે એવી પ્રાથના કરવામાં આવી હતી.
ભાડભૂતથી નિકોરા સુધીના પટ્ટા પર વસતા લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ચોમાસાના ચાર મહિના સમગ્ર દેશમાં માત્ર ભરૂચમાં જ મળતી હિલ્સા માછલી પકડી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. અરબી સમુદ્ર અને નદીના મિલન સ્થળે જ આ માછલી જોવા મળે છે, ત્યારે માછીમારોએ આજથી માછીમારીની નવી સીઝનનો પ્રારંભ કર્યો છે.