અંકલેશ્વરઃ નર્મદા નદીમાં આવેલા પૂરમાં કેટલાય ગામોમાં મગરો પણ તણાઈ આવ્યાં હતાં. હવે પૂરના પાણી ઓસર્યા બાદ આ મગર જે તે સ્થળે જ રહી ગયાં છે. અંકલેશ્વર તાલુકાના ભરથાણા ગામના તળાવમાં મગર આ રીતે દેખા દેતાં ગ્રામજનો ભયભીત બન્યાં હતાં. આ તળાવનો ઉપયોગ ગ્રામજનો રોજીંદા કામ માટે પણ કરે છે. જેથી લોકોમાં ભયનું મોજું ફેલાઈ ગયું હતું. છેલ્લાં એક સપ્તાહથી આ મગર જોવા મળતાં આ અંગે ગામના સરપંચ હંસાબહેન પટેલે વનવિભાગને જાણ કરી હતી.
અંકલેશ્વર તાલુકાના ભરથાણા ગામના તળાવમાંથી મગર ઝડપાયો - ભરુચ
અંકલેશ્વર તાલુકાના ભરથાણા ગામ ખાતે આવેલા તળાવમાંથી 4 ફૂટનો મગર ઝડપાઈ ગયો હતો. હાલ તળાવમાં પાણી છે ત્યારે બાળકો નહાવા માટે ગામના તળાવમાં કૂદતાં હોય છે ત્યારે, મુશ્કેલી સર્જાય તે પહેલાં મગર પકડાયો અને પાંજરે પુરાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. પૂરના પાણીમાં આ મગર તણાઈ આવ્યો હોવાનું અનુમાન છે.
અંકલેશ્વર તાલુકાના ભરથાણા ગામના તળાવમાંથી મગર ઝડપાયો
ગામના તળાવમાં મગર હોવાની જાણ થતાં વનવિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વન વિભાગ તેમ જ જીવદયાપ્રેમીઓએ તળાવ પાસે એક પાંજરું મુક્યું હતું. આ પાંજરામાં મગર પુરાઈ જતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આશરે ૪ ફૂટ લાંબા આ મગરને રેસ્ક્યૂ કરી ભરૂચ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ રેવા નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો અને તેનું મેડિકલ ચેક અપ પણ કરવામાં આવ્યું હતું. મેડીકલ ચેક અપ બાદ તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.