- સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા સુધી રો-રો ફેરી સર્વિસ શરૂ થશે
- દહેજથી ઘોઘા સુધી ચાલતી રો-રો ફેરી સર્વિસ પર પ્રશ્નાર્થ
- PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માત્ર 11 મહિના જ ચાલ્યો
ભરૂચ : હજીરાથી ભાવનગરના ઘોઘા સુધી રો-રો ફેરી સર્વિસ શરૂ થશે, પરંતુ દહેજથી ઘોઘા સુધી ચાલતી રો-રો ફેરી સર્વિસ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. દહેજ બંદરે ડ્રેજિંગની સમસ્યાના કારણે પાણીની ડેપ્થ ન મળતા જહાજ ચાલી શકે એમ ન હોવાને કારણે છેલ્લા 11 મહિનાથી ફેરી સર્વિસ બંધ છે, ત્યારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાલના સમયમાં શરૂ થાય એવી કોઈ શક્યતા જણાતી નથી.
દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વિસ સપ્ટેમ્બર 2019થી બંધ
દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે દરિયાઈ માર્ગે જોડનારો અને દરિયાઈ સફરનો અદભૂત આનંદ કરાવનારી દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વિસ સપ્ટેમ્બર 2019થી બંધ હાલતમાં છે. તો બીજી તરફ સરકાર દ્વારા સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે, દહેજથી ઘોઘા વચ્ચે જે ફેરી સર્વિસ ચાલતી હતી તે ફરી શરૂ થશે કે કેમ તે એક સળગતો સવાલ છે.
27 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો હતો
દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે દરિયાઈ માર્ગે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વિસનો તારીખ 27 ઓક્ટોબર 2018ના રોજ પ્રારંભ કરાવ્યો હતો. જો કે, શરૂઆતથી જ વિવાદોમાં રહેલી આ ફેરી સર્વિસ 11 માસના ટૂંકા ગાળામાં જ બંધ કરવામાં આવી હતી. જે કારણે મોટા પ્રોજેક્ટનું બાળ મરણ થઇ ગયું હતું. આ દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વિસ 23 સપ્ટેમ્બર 2019થી બંધ છે.
હજીરા-ભાવનગર ઘોઘા રો રો ફેરી શરૂ થશે, દહેજ-ઘોઘા રો-રો ફેરી પર પ્રશ્નાર્થ શા માટે બંધ કરાઇ દહેજ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસ?
ભરૂચના ઔદ્યોગિક હબ દહેજથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચલતી રોપેક્ષ ફેરી સર્વિસ છેલ્લા એક વર્ષથી બંધ છે. જેની પાછળનું કારણ છે, દહેજ બંદરે ડ્રેજિંગની સમસ્યા. દહેજ બંદરે રો-રો ફેરીના જહાજ વોએજ સિમ્ફનીને દરિયામાં પાણીની ડેપ્થ ઓછી હોવાથી કિનારા સુધી લાવવું મુશ્કેલ થઇ પડતું હતું. જે માટે દરિયામાં ડ્રેજિંગ કરવામાં આવે છે અને જહાજ માટે ડેપ્થ બનાવવામાં આવે છે. આ જવાબદારી ગુજરાત મેરી ટાઈમ બોર્ડને સોંપવામાં આવી હતી. જો કે, 11 મહિનાના ગાળામાં 5 વખત ડ્રેજિંગની સમસ્યા આવતા ફેરી સર્વિસ બંધ કરવામાં આવી હતી. જે હજૂ પણ બંધ હાલતમાં જ છે.
ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા સહયોગ ન મળતો હોવાનો કોન્ટ્રાકટર કંપનીનો આક્ષેપ
સમગ્ર વિવાદ અંગે ETV BHARAT દ્વારા દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરતી કોન્ટ્રકર કંપની ઈન્ડિગો સી વેઈઝના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શરૂ થયો હતો, જેમાં કરારના આધારે ડ્રેજિંગની જવાબદારી ગુજરાત મેરી ટાઈમ બોર્ડની હતી, પરંતુ સમયાંતરે ડ્રેજિંગ ન કરવામાં આવતા ફેરી સર્વિસનું સંચાલન મુશ્કેલ થઇ પડ્યું હતું અને સર્વિસ ન ચાલતા કંપનીને દર મહિને રૂપિયા 18 લાખ ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો. હવે આ સર્વિસ પુન:ક્યારે શરૂ થશે એ નક્કી નથી.
ડ્રેજિંગનો ખર્ચ વધુ હોવા સાથે કુદરતી સમસ્યા ઘણી છે : ધારાસભ્ય દુષ્યંત પટેલ
આ અંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ETV BHARAT સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દહેજ બંદરે ડ્રેજિંગની સમસ્યાના કારણે રો રો ફેરી સર્વિસ બંધ થઇ છે. જો કે, ડ્રેજિંગ કરવાનો ખર્ચ વધુ છે. આ ઉપરાંત દહેજ બંદરે પાણીનો કરંટ વધુ હોવાના કારણે ડ્રેજિંગ કર્યા બાદ પણ પાણી સાથે રેતી ખેંચાઈ આવે છે. જેનાથી ઊંડાઈ મળતી નથી. ટેકનિકલ અને કોસ્ટ વધારે હોવાના કારણે ડ્રેજિંગની સમસ્યા છે. જો કે, આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને રો-રો ફેરી સર્વિસ પુન:શરૂ થાય એવા પ્રયત્નો કરવામાં આવશે.
દહેજ ઘોઘા રો-રો ફેરીના પ્રોજેક્ટ રિપોર્ટ પર ડ્રેજિંગની સમસ્યા અધિકારીઓના ધ્યાને જ ન આવી?
દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ થાય એ પહેલા સમગ્ર પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવવામાં આવે છે. જેમાં દહેજ બંદર ખાતે પાણીનો વધુ કરંટ અને ડેપ્થ ન મળતી હોવાનો ઉલ્લેખ થયો જ હશે. જો કે જે તે સમયે કોઈ પણ અધિકારીએ આ બાબતે ધ્યાન જ ન આપ્યું હોય? ડ્રેજિંગની સમસ્યા પહેલેથી જ હતી, તો તેની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાઇ હોત.