ગુજરાત

gujarat

ETV Bharat / state

શિવસેના નેતા સતીષ પાટીલના પુત્રની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો - સતીષ પાટીલના પુત્રની હત્યા

શિવસેનાના પૂર્વે પ્રદેશ અધ્યક્ષ સતીષ પાટીલના 18 વર્ષીય પુત્રની વર્ષ 2016માં હત્યાના મામલામાં ચોક્વાનારો ખુલાસો થયો છે. આ હત્યા પ્રકરણમાં સંડોવાયેલા લોકોની હત્યા કરવા માટે સતીશ પાટીલે ઝઘડિયાના રતનપોરના 2 સિદ્દીઓને રૂપિયા 50 હજારની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સતીષ પાટીલ સહીત બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ankleshwar
ankleshwar

By

Published : Feb 23, 2020, 6:10 PM IST

અંકલેશ્વરમાં કેમિકલ ઉદ્યોગ ધરાવતા અને ગુજરાત શિવસેનાના પૂર્વ અધ્યક્ષ સતીશ પાટીલના 18 વર્ષીય પુત્ર વિવેક પાટીલની વર્ષ 2016ના સપ્ટેમ્બર મહિનામાં ચકચારી હત્યા થઇ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોધાયા બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, વિવેક પાટીલની તેની સાવકી માતા રોહિણીએ તેના પોતાના પુત્રને મહત્વ મળે એ માટે ઝેર આપી હત્યા કરાવી હતી. બાદમાં કાયદાકીય પ્રક્રિયા દરમિયાન સાવકી માતા રોહિણીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આરોપીઓ જામીન પર મુક્ત કરાયા હતાં.

શિવસેનાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીષ પાટીલના પુત્રની હત્યાના મામલે થયો ચોંકાવનારો ખુલાસો

આ તમામ પ્રક્રિયા વચ્ચે મૃતક યુવાનનાં પિતા સતીશ પાટીલ પુત્રના વિરહમાં જીવન વિતાવી રહ્યા હતા અને પુત્રની હત્યાનો બદલો લેવા કારસો રચી રહ્યા હતા. વિવેક પાટીલ મર્ડર કેસમાં સામેલ આરોપીઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ચતુર્વેદી નામના વ્યક્તિની દુકાન પર મળતા હતા આથી તેઓને શંકા હતી કે, તેમના પુત્રની હત્યાના કારસામાં શિવકુમાર ચતુર્વેદી પણ સામેલ છે. આથી તેને પતાવી દેવા માટે સતીશ પાટીલે ઝઘડિયાના રતનપોર ખાતે રહેતા અને સિદ્દી સમુદાયનાં મહમદ ઝાકીર સિદ્દી અને મોહસીન સીદ્દીને રૂપિયા 50 હજારની સોપારી આપી હતી. સતીશ પાટીલ શિવસેનાના આગેવાન હોવા સાથે કેમિકલ ઉદ્યોગ પણ ધરવતા હતા. ત્યારે તેમને કેમિકલનો સારો પરિચય હતો આ માટે તેઓએ પુત્રની હત્યામાં સામેલ એક એક વ્યક્તિને પતાવી દેવા માટે પ્લાન ઘડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, સતીશ પાટીલે બંનેને ઝેરી ઇન્જેક્શન આપ્યું હતું અને તેના દ્વારા શિવકુમાર ચતુર્વેદીની હત્યા કરવાનું નક્કી કરાયું હતું. બન્ને ખંડણીખોર GIDCમાં આવેલા શિવકુમાર ચતુર્વેદીની દુકાન નજીક રેકી કરી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમને તેઓ પર શંકા જતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. અને બન્નેની કડક પુછતાછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને હત્યા માટે તેઓને સતીશ પાટીલે સોપારી આપી હોવાની વાત કબૂલી હતી. પોલીસે બંને ખંડણીખોર સહિત સતીશ પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેઓ પાસેથી વિશેષ પ્રકારનું ઝેરી ઇન્જેક્શન અને મોબાઈલ પણ કબજે કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details