ભરૂચઃ વાગરાના પાદરીયા ગામના એક યુવાનનો તળાવમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગામના સરપંચના પુત્રએ પોતાની બહેન સાથે મૃતકના પ્રેમસંબંધની આશંકાએ હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે.
વાગરાના પાદરીયા ગામના યુવાનની હત્યામાં ઘટસ્ફોટ, મિત્રની હત્યામાં પ્રેમસંબંધ જવાબદાર - ભરુચ પોલિસ
વાગરાના પાદરીયા ગામના યુવાનનો તળાવમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અજય ગોહિલ નામના યુવકને પોતાની બહેન સાથે પ્રેમસંબંધ હોવાની આશંકા રાખી ભાઈએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
વાગરા તાલુકામાં આવેલાં પાદરિયા ગામનો અજય ગોહિલ ગત 24મી ફેબ્રુઆરીએ કોલોનીમાં દૂધ આપવા ગયા બાદથી ગુમ થયો હતો. પરિવારજનો શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ પત્તો ન લાગતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન 27મીએ નરણાવી ગામની સીમમાં આવેલાં તળાવમાંથી અજય ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ગળે ટૂંપો આપી બન્ને હાથ બાંધી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દહેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં ચોકાવનારો ખુલાસો થયો છે.
આ હત્યાકાંડમાં પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. મૃતક અજય ગોહિલના આરોપી અને ગામના સરપંચના પુત્ર સાગરની બહેન સાથે પ્રેમસંબંધની આશંકાએ સાગરની હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. સાગર અને અન્ય એક સગીર આરોપી અજયને ગામની સીમમાં લઇ ગયાં હતાં. જ્યાં ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસને શંકા ન જાય એટલે બંને ગામમાં જ રહ્યાં હતાં અને પોલીસ તપાસમાં પણ સાથે રહ્યાં હતાં. જો કે પોલીસની સઘન તપાસના અંતે બંનેની ધરપકડ કરવામાં આવી છે.