- અંકલેશ્વરમાં લૂંટારા બેખોફ
- 3.29 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર
- આઈઆઈએફએલની ઓફિસમાં લૂંટ કરી
- હથિયારની અણીએ 4 લૂંટારા ત્રાટક્યાં
અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં ધોળે દિવસે 3 કરોડથી વધુ રૂપિયાના દાગીનાની લૂંટ
અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં ધોળે દિવસે કરોડો રૂપિયાના દાગીનાની લૂંટથી શહેરમાં ખળભળાટ મચ્યો હતો. ગોલ્ડ લોન આપતી આઈઆઈએફએલની ઓફિસમાં હથિયારની અણીએ લૂંટ ચલાવાઈ હોવાનું બહાર આવ્યું છે. કારમાં આવેલા ચાર લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થયાં હતાં. સમગ્ર ઘટનાન સીસીટીવી ફૂટેજ બહાર આવ્યાં છે જેની મદદથી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ભરુચઃ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે અંકલેશ્વરમાં કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની લૂંટ થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ગોલ્ડ લોન આપતી આઈઆઈએફએલ કંપનીની ઓફિસ આવેલી છે.આજે સવારના સમયે કંપનીના કર્મચારીઓએ નિયત સમય મુજબ ઓફિસ ખોલી હતી અને અંદર જઈ કામગીરી શરુ કરી હતી. આ દરમિયાનમાં કારમાં આવેલા ચાર લૂંટારુઓ મોઢા પર માસ્ક પહેરી અંદર પ્રવેશે છે અને અંદરથી 3.29 કરોડ રૂપિયાની કિંમતના 668 તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયાં છે.
સીસીટીવી ફૂટેજ બહાર આવ્યાં
ગોલ્ડ લોન આપતી સંસ્થામાં કરોડો રૂપિયાના દાગીનાની લૂંટના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યાં છે. જેમાં ચાર લૂંટારુઓ ઓફિસમાં પ્રવેશ કરે છે અને ઓફિસમાં હથિયાર તેમ જ ચપ્પુની અણીએ લૂંટ ચલાવે છે એ સહિતના દ્રશ્યો કેદ થયાં છે. ચાર પેકી એક લૂંટારુ અંદર રહેલાં કર્મચારીઓને હથિયાર બતાવી લૂંટ ચલાવે છે તો અન્ય એક લૂંટારુ પાસે ચપ્પુ સહિતના તીક્ષ્ણ હથિયાર હોવાનું પણ બહાર આવ્યું છે
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
અંકલેશ્વરમાં કરોડોના દાગીનાની લૂંટના પ્રકરણમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તો આ તરફ એલ.સી.બી., એસ.ઓ.જી સહિત શહેર પોલીસ મથકની ટીમ પણ લૂંટારાઓનું પગેરું મેળવવા કામે લાગી છે.